મુંબઈના ગેરકાયદે બાંધકામની શોધ હવે સેટેલાઈટ ઈમેજ સિસ્ટમને આધારે થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગેરકાયદે બાંધકામ શોધવા માટે સેટેલાઈટ પાસેથી મળેલી ઈમેજને આધારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પર રહેલા ગેરકાયદે બાંધકામ અને જગ્યાનો ઉપયોગમાં થયેલા ફેરફારની માહિતી મળશે અને તેના દ્વારા ગેરકાયદે બાંધાકમ સામે આકરી કાર્યવાહી કરવામાં મદદ મળશે. તેથી ગેરકાયદે બાંધકામની શોધ હવે આ સિસ્ટમને આધારે કરીને ગેરકાયદે બાંધકામનો સફાયો કરવામાં આવશે.
સોમવારે પાલિકાના મુખ્યાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં વિકસિત કરવામાં આવેલી સિસ્ટમ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ગેરકાયદે બાંધકામને ને કારણે નાગરિકોને થતી તકલીફ ટાળવા માટે મુંબઈ મહાનગર પ્રદેશની તમામ યંત્રણાને આપસમાં સમન્વય સાધીને અતિક્રમણ નિર્મૂલન કાર્યવાહી કરવાનો નિદેર્શ પાલિકાના એડિશનલ કમિશનર (શહેર) અશ્વિની જોશીએ આપ્યો હતો.