શિંદેની પીછેહટ છતાં મુખ્ય પ્રધાનના ચહેરાનું સસ્પેન્સ યથાવત, આજે દિલ્હીની બેઠક પર સૌની નજર
મુંબઇઃ વિધાનસભાના પરિણામ બાદ હવે રાજ્યમાં મહાયુતિના નવા મુખ્ય પ્રધાન કોણ હશે તેના પર સૌનું ધ્યાન છે. ગઈકાલે એકનાથ શિંદેએ તો મુખ્ય પ્રધાનપદની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહના દરેક નિર્ણયને સ્વીકારશે. ભાજપ જેને મુખ્ય પ્રધાન બનાવશે તેને શિવસેના સમર્થન આપશે. રાજ્યના નવા મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સનો આજે અંત આવશે. દરમિયાન હવે રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે.
મહાયુતિના મુખ્ય નેતાઓની આજે દિલ્હીમાં બેઠક યોજાશે. આ બેઠક માટે એકનાથ શિંદે પણ દિલ્હી જવાના છે. રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ભારે ચર્ચા થઈ રહી છે. આજે સાંજે 5:30 વાગ્યે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મહાયુતિના નેતાઓની બેઠક યોજાશે. શિંદે પોતે મુખ્ય પ્રધાન પદની રેસમાંથી ખસી ગયા હોવાથી રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા થઇ રહી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે ગઈ કાલે રાત્રે દિલ્હીમાં મળ્યા હતા. અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદને લઈને વિનોદ તાવડેને ફોન કર્યો હતો. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે અમિત શાહે વિનોદ તાવડે સાથે આ વખતે મરાઠા ચહેરો ન હોવાના સંભવિત પરિણામો અંગે ચર્ચા કરી હતી.
અમિત શાહ અને વિનોદ તાવડેએ મહારાષ્ટ્ર, મુખ્ય પ્રધાન અને મરાઠાઓના સમીકરણ પર ચર્ચા કરી હતી. અમિત શાહે મહારાષ્ટ્રમાં મરાઠી સમાજના સમીકરણો વિનોદ તાવડે પાસેથી સમજ્યા હતા. કેન્દ્રીય નેતૃત્વને એ ચિંતા છે કે જો દેવેન્દ્ર ફડણવીસને રાજ્યમાં ફરીથી મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે તો મરાઠા મતો કેવી રીતે સાચવી શકાશે. જો મહારાષ્ટ્રમાં બિન-મરાઠા મુખ્ય પ્રધાનની નિમણૂક કરવામાં આવે તો મરાઠા સમુદાયના મતોને કેટલી અસર થઈ શકે છે તે અમિત શાહે જાણવા માગ્યું હતું. મરાઠા ચહેરાને બદલે બીજો ચહેરો આપવામાં આવે તો મરાઠા મતને નુકસાન થવાની ચિંતા કેન્દ્રીય નેતૃત્વને છે. મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાં આવ્યું ત્યારથી એટલે કે 2014 થી 2024 સુધી, મરાઠા સમુદાયના આંદોલન, કોર્ટના ચુકાદા, મરાઠા નેતાઓની ભૂમિકાની સમીક્ષા કરવામાં આવી હતી. ભવિષ્યની દૃષ્ટિએ મરાઠા ચહેરો કેટલો મહત્ત્વનો છે. આ અંગે તમામ ગણિત ગોઠવવામાં આવ્યા હતા. આગામી ચૂંટણી, મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનો ચહેરો અને મરાઠા, ઓબીસી મતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
હાલની એકંદર હિલચાલ જોતા લગભગ સ્પષ્ટ છે કે મુખ્ય પ્રધાન પદ ભાજપને જશે. દેવેન્દ્ર ફડણવીસને ભાજપના કેન્દ્રીય નેતૃત્વની પસંદગી માનવામાં આવે છે. જો કે, ભાજપની કોથળામાંથી બિલાડું કાઢવાની આદતને જોતા ફડણવીસના ચાહકોમાં એવી શંકા છે કે અંત સમયે ભાજપ કોઇ અન્યના શિરે જ મુખ્ય પ્રધાનપદનો તાજ સજાવી દેશે.