આમચી મુંબઈ

જળાશયોમાં ૯૩ ટકા પાણી છતાં પાણીકાપનું સંકટ યથાવત્

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ચોમાસાનું આગમન થયું હોવાથી થોડી રાહત થઈ છે. બે દિવસથી મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પણ સારો એવો વરસાદ પડ્યો હોવાથી પાણીની સપાટીમાં થોડો વધારો થયો છે. જળાશયોમાં શુક્રવારે સવારના ૯૩.૧૭ ટકા જેટલો પાણીનો જથ્થો હતો. જોકે હજી પણ મુંબઈના માથા પર પાણીકાપનું સંકટ છવાયેલું છે.
ઑગસ્ટ મહિનો લગભગ આખો કોરો ગયો હતો અને સપ્ટેમ્બરમાં પણ હળવો વરસાદની શક્યતા ભારતીય હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. તેથી મુંબઈ જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પાણીનું સંકટ નિર્માણ થયું છે. વરસાદની ગેરહાજરીથી મુંબઈમાં આખું વર્ષ પાણીકાપ મૂકવાની શક્યતા પાલિકા પ્રશાસન વ્યક્ત કરી ચૂકી છે. જોકે બે દિવસથી મુંબઈ, થાણે સહિત રાજ્યના અનેક જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે, તેને કારણે નદીઓમાં અને જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે.
ઑગસ્ટ મહિનો આખો વરસાદે વિરામ લેતા જળાશયોની ઘટતી સપાટીને કારણે મુંબઈમાં આખું વર્ષ ૧૦થી ૧૫ ટકા પાણીકાપ મૂકવાની શક્યતા પર પાલિકા પ્રશાસન વિચાર કરી રહી છે. અઠવાડિયાની અંદર જળાશયમાં રહેલા પાણીના જથ્થાનો અભ્યાસ કરીને પાલિકા નિર્ણય લેવાની હતી. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં બુધવાર સુધીમાં ૮૯ ટકા જેટલો પાણીનો જથ્થો હતો. આ દરમિયાન બે દિવસથી ફરી ચોમાસું સક્રિય થતા જળાશયોમાં પણ પાણીની સપાટીમાં હળવો વધારો થયો છે. હજી બે-ત્રણ દિવસ સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. તેથી જળાશયોમાં પાણીની સપાટીમાં હજી વધારો થયો તો કદાચ મુંબઈગરાને આખું વર્ષ પાણીકાપનો સામનો કરવાની નોબત આવશે નહીં એવું પાણીપુરવઠા ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં શુક્રવારે સવારના ૧૩,૪૮,૪૪૯ મિલિયન લિટર એટલે કે ૯૩.૧૭ ટકા પાણીનો જથ્થો હતો. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૯૮.૫૧ ટકા એટલે કે ૧૪,૨૫,૮૪૩ મિલિયન લિટર જેટલો પાણીનો જથ્થો હતો. તો ૨૦૨૧ની સાલમાં જળાશયોમાં ૯૩.૬૫ ટકા એટલે કે ૧૩,૫૫,૪૯૪ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો.

નોંધનીય છે કે મુંબઈને પ્રતિદિન ૩,૯૦૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે અને મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરના સાતેય જળાશયમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીનો જથ્થો હોવો આવશ્યક છે.

જળાશય પાણીની છલકાવાની હાલની સપાટી શુક્રવારે નોંધાયેલો
સપાટી (મીટરમાં) (મીટર) વરસાદ (મિ.મિ.)
અપર વૈતરણા ૬૦૩.૧૫ ૬૦૨.૨૦ ૧૧૨.૦
મોડક સાગર ૧૬૩.૧૫ ૧૬૨.૩૨ ૧૩૫.૦
તાનસા ૧૨૮.૬૩ ૧૨૮.૬૫ ૧૨૧.૦
મિડલ વૈતરણા ૨૮૫.૦૦ ૨૮૪.૪૦ ૧૦૫.૦
ભાતસા ૧૪૨.૦૭ ૧૪૦.૩૪ ૧૧૯.૦
વિહાર ૮૦.૧૨ ૮૦.૨૯ ૧૩૩.૦
તુલસી ૧૩૯.૧૭ ૧૩૯.૨૬ ૧૦૭.૦

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button