૫૧ ટકા સહમતી છતાં વિરોધ કરનારાઓને થશે જેલ
રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટોને હવે મળશે ગતિ
મુંબઈ: મુંબઈમાં રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટને હવે ગતિ મળશે, કારણ કે મહારાષ્ટ્ર અપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ, ૧૯૭૦માં સંશોધનનો જે ખરડો પાસ થયો હતો, જેને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી હતી. આ બિલ અંગે હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાને કારણે હવે રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસને અધિકાર મળ્યો છે. એટલે કે ૫૧ ટકા બહુમતીથી મંજૂર રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટનો વિરોધ કરનારા ફ્લેટ માલિકને જેલની સજા પણ થઇ શકે છે. મહારાષ્ટ્રમાં જૂની ઇમારતોના પુનર્વિકાસ માટે ૫૧ ટકા ફ્લેટ માલિકોની સહમતી પર્યાપ્ત છે. ફ્લેટ માલિકોની સહમતીના દર ૧૦૦ ટકાથી ઘટાડીને ૫૧ ટકા કરવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાંને કારણે પુનર્વિકાસના પ્રકલ્પોમાં થતા વિલંબ દૂર થશે.
રાજ્યભરમાં જૂની ઇમારતોનો પુનર્વિકાસ હવે ૫૧ ટકા અપાર્ટમેન્ટના માલિકોની સહમતીથી થઇ શકે છે, જ્યારે પહેલા તમામ માલિકોની મંજૂરી જરૂરી હતી.
આ પગલાંને કારણે જૂની ઇમારતોના પુનનિર્માણને ગતિ મળશે. પહેલા એક પણ ફ્લેટધારક વિરોધ કરે તો સંપૂર્ણ પ્રકલ્પ અટકી પડતો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે પુનર્વિકાસ માટે રજિસ્ટર્ડ ઇમારતોને આ ફેરફાર કરાયેલા નિયમોથી લાભ થશે.
હાલમાં રાજ્યમાં અંદાજે ૯૦,૦૦૦ હાઉસિંગ સોસાયટી છે, આ સિવાય ૭૫,૦૦૦ મહારાષ્ટ્ર અપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ (એમએઓએ)ના હેઠળ રજિસ્ટર્ડ છે. આ નવા નિયમને કારણે મુંબઈની ૧૧,૦૦૦ હાઉસિંગ સોસાયટીઓને લાભ થવાની શક્યતા છે. તેમ છતાં શહેરમાં ૧૪,૦૦૦ જર્જરીત અને સેસવાળી ઇમારતને આ અધિનિયમનનો લાભ નહીં થાય.