દેશમુખ દ્વારા ગેરકાયદે કામ કરવાનું દબાણ હતું: ફડણવીસને લખેલો પત્ર સચિન વાઝેએ વિશેષ અદાલતમાં રજૂ કર્યો
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે અનેક ગેરકાયદે કામ કરવા માટે દબાણ કર્યું હતું એવો દાવો કરતાં બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ ઉમેર્યું હતું કે ક્યારેક પવાર તો ક્યારેક પાટીલ સાહેબે કામ કરવાનું કહ્યું છે એમ કહીને મારા પર દબાણ લાવતા હતા અને પવાર સાહેબ એટલે કોણ એવું પુછવાની ક્યારેય હિંમત ચાલી નહોતી.
ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મોકલવામાં આવેલો પત્ર બરતરફ કરાયેલા પોલીસ અધિકારી વાઝેએ વિશેષ અદાલતમાં રજૂ કર્યો હતો અને તેના પર આવશ્યક કાર્યવાહીની માગણી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ નજીક વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો રાખવાના કેસમાં તેમ જ અન્ય એક કેસમાં સચિન વાઝે અદાલતી કસ્ટડીમાં છે.
આ પણ વાંચો : ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ
સચિન વાઝેએ 30 જુલાઈના રોજ રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો હતો. આ જ પત્ર તેણે વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એ. યુ. કદમ સમક્ષ રજૂ કર્યો હતો. આ પત્રમાં દેશમુખના કાર્યકાળમાં ગૃહ ખાતાના કારભારનું સ્તર અત્યંત નિમ્ન સ્તરે ગયું હતું અને પોતાને અનેક ગેરકાયદે કામ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પાટીલ સાહેબ પાસેથી આ કામ આવ્યું છે એવું કહીને દેશમુખ મારી પાસેથી આવા કામ કરાવી લેતા હતા એવો દાવો પણ તેણે પત્રમાં કર્યો હતો.
દેશમુખે મોટા પવાર સાહેબ અને પાટીલ સાહેબના નામે અનેક લોકો પર દબાણ લાવીને તેમની પાસેથી પણ કામ કરાવી લીધા હોવાનો દાવો પણ વાઝેએ કર્યો હતો.