મધ્ય રેલવેમાં ફરી ડિરેલમેન્ટ, લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર
મુંબઈ: મધ્ય રેલવેમાં કસારા રેલવે સ્ટેશન નજીક આજે ટ્રેનના બંકર એન્જિન ડિરેલ થવાને કારણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર પડી હતી. કસારા સ્ટેશન નજીક બન્કર એન્જિન પાટા પરથી ઉતરી જવાને કારણે અમુક મેલ એક્સપ્રેસ ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી પડી હતી, જ્યારે અમુક લોકલ ટ્રેન પણ મોડી દોડવાને કારણે ટ્રેનોમાં ગીચતા વધી હતી.
કસારા રેલવે સ્ટેશન નજીક બપોરના 12.20 વાગ્યાના સુમારે ડિરેલમેન્ટ થયું હતું, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. નોર્થ-ઈસ્ટ સેક્શનમાં કસારા મધ્ય રેલવેનું લાસ્ટ સ્ટેશન છે. ડિરેલમેન્ટને કારણે અમુક કસારા સેક્શનની ટ્રેનસેવા પર અસર થઈ હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે કસારા સ્ટેશન નજીક બંકર એન્જિનના ડિરેલમેન્ટને કારણે અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર પડી હતી, પરંતુ કલ્યાણ-કસારાની સબર્બનની ટ્રેન પર અસર પડી નહોતી. મેલ-એક્સપ્રેસ ટ્રેન અને પેસેન્જર ટ્રેનની સાથે ગૂડ્સ ટ્રેનના માટે બે અથવા ત્રણ સેટમાં એન્જિન રાખવામાં આવે છે, જ્યાં ઘાટ સેક્શનમાં ઉપયોગ કરવામાં આવે છે. મધ્ય રેલવેના કસારા (મુંબઈથી નાશિક રુટ) અને ભોર સેક્શન (મુંબઈથી પુણે રેલવે રુટ)માં બંકર એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો : Indian Railwayની ટ્રેન પર કેમ લખેલો હોય છે આ ખાસ કોડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…
અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં ગયા મહિના દરિમયાન કલ્યાણ રેલવે સ્ટેશને લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ થયા પછી મુંબઈની લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી, જ્યારે પશ્ચિમ રેલવેમાં પણ મુંબઈ સેન્ટ્રલ ખાતે ડિરેલમેન્ટ થવાને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા ખોરવાઈ હતી.