પ્રધાન મંડળની બેઠકમાં અજિત દાદાની ગેરહાજરી… નારાજગીના સંકેત…. આખરે જોઇએ છે શું?
મુંબઇ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મંગળવારે મંત્રાલયમાં યોજાયેલી પ્રધાન મંડળની બેઠકમાં ગેરહાજર હોવાથી તેમની નારાજગીની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં પણ સાંજે અચાનક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થયા હતાં. તેથી અજિત પવાર નારાજ હોવાની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે.
રોજિંદા કાર્યક્રમ મુજબ અજિત પવાર સવારે 9:45 થી સાંજે 4:30 સુધી મંત્રાલયમાં ઉપલસ્થિત રહેવાના હતાં જોકે તબીયત સારી ન હોવાનું કારણ આપીને તેઓ મંત્રાલયમાં આવ્યા જ નહીં.
આખો દિવસ તેઓ તેમના દેવગિરી નિવાસસ્થાને જ હતાં. આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે, અજિત પવારની તબીયત સારી નથી. તેથી તેઓ આવ્યા નથી. આના કોઇ અલગ અર્થ કાઢવાની જરુર નથી. અજિત પવારને થ્રોટ ઇન્ફેક્શન થયું હોવાથી તેઓ બોલી શકતા નથી. તેથી તેઓ બેઠકમાં હાજર રહી શકયા નથી એવી જાણકારી રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ જણાવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની કથિત નારાજગીની પાર્શ્વભૂમી પર મૂખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઇ કાલે સાંજે જ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે રર્ચા કરવા દિલ્હી રવાના થયા હતાં. અમિત શાહના ઘરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેનેદ્ર ફડણવસી પાછલા દરવાજે ગયા હોવાથી આ બેઠકનું રહસ્ય વધુ ગૂઢ બન્યું હતું.
પ્રધાન મંડળનું વિસ્તરણ થઇ નથી રહ્યું ઉપરાંત પાલક પ્રધાન પદની પણ વહેંચણી થઇ ન હોવાથી નાયબ મુખ્ય પ્રધાવ અજિત પવાર નારાજ હોવાની જોરદાર ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. તેમને પુણે જિલ્લાનું પાલક પ્રધાન પદ જોઇએ છે. ઉપરાંત વધુ બે જિલ્લાનું પાલક પ્રધાન પદ પણ તેમને જ જોઇએ છે.
છગન ભુજબળને નાસિકનું, હસન મુશ્રીફને કોલ્હાપૂર, ધનજંય મુંડેને બિડ તથા અદિતી તટકરેને રાયગઢનું પાલક પ્રધાન પદ આપવામાં આવે તેવો અજિત દાદાનો આગ્રહ છે. હાલમાં પુણેનું પાલક પ્રધાન પદ ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ પાસે છે. થાણે અને સાતારાના પાલક પ્રધાન શંભૂરાજ દેસાઇ છે. રાયગઢના પાલક પ્રધાન શિંદે જૂથના ઉદય સામંત છે.
રાયગઢમાંથી અદિતી તટકરે પ્રધાન બન્યા છે. સુનિલ તટકરે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. તેથી જ અજિત પવાર જૂથને રાયગઢનું પાલક પ્રધાન પદ જોઇએ છે. સાતારાનું પાલક પ્રધાન પદ અજિત દાદાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ માટે જોઇએ છે. આમાંથી એક પણ માંગણી સંતોષાઇ ન હોવાથી અજિત પવાર નારાજ હોવાની ચર્ચા થઇ રહી છે. દબાણના રાજકારણનો આ એક ભાગ હોઇ શકે છે એમ શિંદે જૂથના નેતા માને છે.
બીજી બાજુ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ પ્રધાન મંડળના વિસ્તરણની રાહ જોઇ રહ્યાં છે. પણ ભાજપ હાઇ કમાન્ડ દ્વારા હજી વિસ્તરણ અંગે લીલી ઝંડી અપાઇ નથી તેથી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
પુણેનું પાલક પ્રધાન પદ કદાચ ભાજપ છોડી દેશે પણ સાતારા અને રાયગઢનું પાલક પ્રધાવન પદ શિંદે જૂથ છોડશે નહીં એમ કહેવાઇ રહ્યું છે. ત્યારે આ કોયડો ઉકેલવા માટે દિલ્હીથી નિર્ણય આવે તેની રાહ જોવાઇ રહી છે.
ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે કામ કરતી વખતે અજિત પવારને જોઇએ એટલી છૂટ અને સ્વતંત્રતા મળી નથી. એવી પણ ચર્ચાઓ થઇ રહી છે. એક તો અજિત દાદા પાસેથી ફાઇલ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે જાય છે અને ત્યાંથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે અંતિમ માન્યતા માટે જાય છે. આ બધાને કારણે અજિત દાદા નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.