નોન કમર્શિયલ નવરાત્રિ મંડળો માટે ડિપોઝિટની રકમ માત્ર ₹ ૧૦૦
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેરના લગભગ ૧,૨૦૦થી વધુ નવરાત્રી મંડળોને આ વર્ષે નવરાત્રીની ઊજવણી માટે ઊભા કરવામાં આવતા મંડપ સહિતના આયોજન માટે મુંબઈ મહાનગરપાલિકાના માત્ર ૧૦૦ રૂપિયાની ડિપોઝિટ ચૂકવવાની રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં બુધવારે શહેરના નવરાત્રી મંડળો સાથે બેઠક યોજાઈ હતી, એ દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવરાત્રી મંડળો માટે આવશ્યક તમામ મંજૂરીઓ ગણેશોત્સવની માફક વન વિન્ડો સિસ્ટમ હેઠળ આપવામાં આવશે. તેમ જ નોન કર્મશિયલ નવરાત્રી મંડળોને મંજૂરી આપવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલ કરવામાં આવવાની નથી. તેમ જ મંડળો પાસેથી વસૂલ કરવામાં આવતી ડિપોઝિટ ફી પણ માત્ર ૧૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે.
ગણેશોેત્સવની માફક નવરાત્રીમાં લાગનારી તમામ પ્રકારની મંજૂરીઓ વન વિન્ડો સિસ્ટમ હેઠળ આપવામાં આવશે. નવરાત્રીમાં દશેરાએ દુર્ગા મૂર્તિ વિસર્જન, ગરબા વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટિંગ, શૌચાલય, સ્વચ્છતા, નિર્માલ્ય કલશની વ્યવસ્થા પાલિકા કરશે. તેમ જ પોલીસ પ્રશાસન તરફથી મહિલા સુરક્ષાની તેમ જ દાગીના ચોરી થાય નહીં તે માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવશે. ટ્રાફિક કંટ્રોલ અને પાર્કિંગ વ્યવસ્થા માટે પણ ટ્રાફિક પોલીસ ખાસ બંદોબસ્ત કરવાની છે. નવરાત્રીની માફક જ ૧૯ નવેમ્બર, ૨૦૨૩ના છટપૂજા માટે પણ પાલિકા અને પોલીસ દ્વારા આ પ્રકારની જ વ્યવસ્થા કરવામાં આવવાની છે.
નવરાત્રી, રાસ દાંડિયા, ગરબા આયોજનના વખતે મહિલા સુરક્ષા માટે પાલિકા અને પોલીસ પ્રશાસન તરફથી જનજાગૃતિના બૅનર્સ લગાડવામાં આવશે.