દેવનારમાં ગર્દુલ્લાઓએ ચાકુથી કરેલા હુમલામાં બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ…

મુંબઈ: દેવનાર વિસ્તારમાં ગર્દુલ્લાઓ સામે કાર્યવાહી કરવા ગયેલા બે પોલીસ કર્મચારી પર તેમણે ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં બંને જણ ઘાયલ થયા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
દેવનાર વિસ્તારમાં બે પોલીસ કોન્સ્ટેબલ ભાલેરાવ અને સૂર્યવંશી શનિવારે રાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે દેવનારના એટલાંટા ગાર્ડન નજીક ગાંજાનું સેવન કરી રહેલા કેટલાક શખસો પર તેમની નજર પડી હતી.
આથી બંને કોન્સ્ટેબલ તેમની સામે કાર્યવાહી કરવા ગયા ત્યારે આરોપીઓએ બંને કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો કર્યો હતો.
હુમલામાં ભાલેરાવના પેટ અને છાતી પર, જ્યારે સૂર્યવંશીના કાન પર ઇજા થઇ હતી.
ઘવાયેલા બંને કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટના બાદ દેવનાર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી અને પાંચ આરોપીને ઝડપી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા.
આ પણ વાંચો…કલવામાં પિસ્તોલ અને ચાકુની ધાકે 13 લાખની રોકડ લૂંટનારા પકડાયા…