દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના નિકાલ માટે ત્રણ કંપની આગળ આવી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના બાયોરેમીડિયેશન પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે. મંગળવારે આ પ્રોજેક્ટ માટે બીડ ખોલવામાં આવી હતી, જેમાં ત્રણ કંપનીઓમાંથી બે ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની છે અને એક કંપની પહેલાથી પાલિકાના વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે. ત્રણ વર્ષની અંદર ડમ્પિંગ ગ્રાઉન્ડની જગ્યા ખાલી કરીને અહીં ધારાવી રિડેવપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવવાનો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧૪ મે, ૨૦૨૫ના રોજ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પરના કચરાના બાયોરેમીડિયેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં પ્રતિદિન ૧,૨૦૦ વાહનોનો ઉપયોગ કરીને દરરોજ ૨,૩૦૦ ટન કચરો સાફ કરવાનો છે. ૨૩ મેના રોજ યોજાયેલી પ્રી-બિડ મીટિંગ દરમ્યાન લગભગ ૨૧ કંપનીઓેએ આ પ્રોજેક્ટ સંબંધી અમુક સવાલો ઉપસ્થિત કરવાની સાથે જ તેને અમલમાં મૂકવાને લઈને અમુક ચિંતા વ્યક્ત કરી હતી. તેથી પાલિકાએ બિડ સબમિટ કરવા માટેની સમયમર્યાદા ત્રણ વખત લંબાવી પડી હતી.
છેવટે ચાર જુલાઈના રોડ ટેન્ડર પ્રક્રિયા બંધ થઈ હતી, જેમાં ત્રણ બિડ પ્રાપ્ત થઈ હતી. મંગળવારે ચાર પ્રપોઝલ ખોલવામાં આવ્યા હતા, જેમાં નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ, રી-સસ્ટેનેબિલિટી લિમિટેડ અને એચ.જી. ઈન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ આ પ્રોજેક્ટ માટે અગ્રણી દાવેદાર રહ્યા હતા. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ નવયુગ એન્જિનિયરિંગ અને એચ.જી. ઈન્ફ્રા એન્જિનિયરિંગ પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (માળખાગત વિકાસ)નો અનુભવ છે, જયારે ત્રીજા બિડર રી. સસ્ટેનેબિલિટી પહેલાથી જ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં વેસ્ટ-ટુ એનર્જી કામગીરીમાં સામેલ છે. પાલિકા સોલિડ વેસ્ટને ઍનર્જીમાં રૂપાંતરિત કરવા અને વીજળી ઉત્પન્ન કરીને ડમ્પિંગ ગ્રાઉન્ડ પર રહેલા કચરાનો બોજો હળવો કરી રહી છે.
વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ ઑક્ટોબર ૨૦૨૫ સુધીમાં ચાલુ થાય એવી શક્યતા છે, જેમાં દરરોજ ૬૦૦ મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરવાની અને સાત મેગાવોટર વીજળીનું ઉત્પાદન કરવાની યોજના છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણેય કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને નાણાકીય બિડ ૧૧ જુલાઈના રોજ ખોલવામાં આવશે ત્યારબાદ સૌથી ઓછા ભાવ સાથે ટેક્નિકલી લાયકાત ધરાવતા બોલી લગાવનારા કૉન્ટ્રેક્ટ આપવામાં આવશે.
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૨૭થી કાર્યરત છે અને મુંબઈનું સૌથી જૂનું અને સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ છે. ૧૨૦ હેકટરમાં ફેલાયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં વર્ષોથી પ્રક્રિયા નહીં કરેલા કચરાના ઢગલાના ઢગલા પડયા છે. મે મહિનામાં બિડ પહેલા યોજાયેલી બેઠક દરમ્યાન સંભવિત બોલી લગાવનારી કંપનીઓએ પ્રક્રિયા બાદ કચરો જમા કરવા માટે વધારાની જમીનની ઉપલબ્ધતા તેમ જ અમુક કંપનીએ ત્રણ વર્ષની સમયમર્યાદામાં લગભગ બે કરોડ મેટ્રિક ટન કચરો સાફ કરવાની શકયતા સામે સવાલ પણ ઉપસ્થિત કર્યા હતા.