કોલેજમાં ‘હિજાબ પ્રતિબંધ’ બાબતે Bombay High Courtએ આપ્યો આ ઓર્ડર
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટ (Bombay High Court)એ આજે શહેરની કોલેજ દ્વારા કેમ્પસમાં હિજાબ, બુરખા અને નકાબ પર પ્રતિબંધ લાદવાના નિર્ણય બાબતે કોઈ પણ પ્રકારની દખલગિરી કરવાનો ઇનકાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ એ એસ ચંદુરકર અને રાજેશ પાટીલની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે તે કોલેજ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં દખલ કરવા માટે તૈયાર નથી અને વિજ્ઞાન ડિગ્રી કોર્સના બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નવ વિદ્યાર્થીનીઓ દ્વારા તેની સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: મુંબઇની કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ સામે વિદ્યાર્થિનીઓ હાઇ કોર્ટમાં
વિદ્યાર્થીઓએ આ મહિનાની શરૂઆતમાં ચેમ્બુર ટ્રોમ્બે એજ્યુકેશન સોસાયટીના એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ હિજાબ, નકાબ, બુરખા, સ્ટોલ્સ, કેપ અને બેજ ન પહેરી શકે એવા ડ્રેસ કોડ લાદતા આદેશને પડકાર્યો હતો. અરજદારોએ દાવો કર્યો હતો કે આ પ્રકારનો નિર્દેશ તેમના ધર્મનું પાલન કરવાના તેમના મૂળભૂત અધિકારો, ગોપનીયતાના અધિકાર અને પસંદગીના અધિકારની વિરુદ્ધ છે.
અરજીમાં કોલેજની કાર્યવાહીને “મનસ્વી, ગેરવાજબી અને વિકૃત” ગણાવી હતી. અરજદારના એડવોકેટ અલ્તાફ ખાને ગયા અઠવાડિયે હાઈકોર્ટ સમક્ષ કુરાનની કેટલીક કલમો રજૂ કરી તેમના દાવાને સમર્થન આપ્યું હતું કે હિજાબ પહેરવું એ ઈસ્લામનો આવશ્યક ભાગ છે.
આ પણ વાંચો: આ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં મૂકવામાં આવ્યો હિજાબ, બુરખા પર પ્રતિબંધ
કોલેજે દાવો કર્યો હતો કે તેના પરિસરમાં હિજાબ, નકાબ અને બુરખા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય યુનિફોર્મ ડ્રેસ કોડ માત્ર શિસ્તબદ્ધ કાર્યવાહી છે અને તે મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ નથી. વરિષ્ઠ કાઉન્સિલ અનિલ અંતુરકરે, કૉલેજ મેનેજમેન્ટ તરફથી હાજર થતાં કહ્યું કે ડ્રેસ કોડ દરેક ધર્મ અને જાતિના વિદ્યાર્થીઓ માટે છે.