કલ્યાણ-ડોંબિવલીમાં સરકારી જમીન ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનો રિપોર્ટ

મુંબઈ: સ્થાનિક પ્રશાસન કે મહાપાલિકા પાસેથી કોઇપણ પ્રકારના બાંધકામની પરવાનગી લીધા વિના જ કલ્યાણ અને ડોંબિવલીમાં સરકારી જમીન પર હજારોની સંખ્યામાં ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે. સરકારની 118 હેક્ટર 18 એકર સરકારી જમીન પર 8,573 ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે.
રહેઠાણ, વેપાર અને ખેતી આ ત્રણ વસ્તુઓ માટે ગેરકાયદે બાંધકામોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સરકારને કરોડો રૂપિયાનો મહેસૂલ ગુમાવવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કલ્યાણ-ડોંબિવલી પાલિકાની હદમાં 2997 સુધી ઊભા કરવામાં આવેલા 67,947 ગેરકાયદે બાંધકામોનો મુદ્દો હજી બોમ્બે હાઇ કોર્ટમાં છે. ત્યાર પછીના 17 વર્ષમાં અહીં 17,000 કરતાં વધુ નવા ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે.
સ્થાનિક રહેવાસી તેમ જ અરજદાર હરિષચંદ્ર મ્હાત્રેએ જનહિતની અરજીમાં કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની હદમાં કુલ 1,65,000 ગેરકાયદે બાંધકામો હોવાનું બોમ્બે હાઇ કોર્ટને જણાવ્યું છે. મ્હાત્રેએ કરેલી અરજી બાદ બોમ્બે હાઇ કોર્ટની જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કલ્યાણ-ડોંબિવલી પાલિકા અને ગ્રામીણ હદમાં કેટલા ગેરકાયદે બાંધકામો છે તેની માહિતી કોર્ટને જણાવવાનો આદેશ મહેસૂલ વિભાગને આપ્યો હતો.
આ પણ વાંચો : ડોંબિવલીવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણો શું છે વાત?
અદાલતના આદેશને પગલે પ્રશાસન દ્વારા અદાલતમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે મંડળ અધિકારી, તલાટી, પાલિકા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને મોટાભાગના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા. કલ્યાણ-ડોંબિવલીના શહેરી વિસ્તારમાં સરકારી જમીન પર 7,793 ગેરકાયદે ઇમારતો અને ચાલીઓ, 459 દુકાનો સહિતના ગેરકાયદે બાંધકામો હોવાનું અદાલતને જણાવવામાં આવ્યું હતું.
જ્યારે કલ્યાણ ગ્રામીણ વિસ્તારમાં 28 હેક્ટર 25 એકરમાં 800 ગેરકાયદે બાંધકામો આવેલા છે, જેમાં 564 ઘર, ત્રણ દુકાનોનો સમાવેશ થાય છે. જ્યારે ચાર ઠેકાણે ખેતી વ્યવસાયનો સમાવેશ થાય છે.