આમચી મુંબઈ

ધારાવી મસ્જિદમાં ગેરકાયદે બાંધકામઃ મસ્જિદના ટ્રસ્ટે જ કરી મોટી કામગીરી

મુંબઈના ધારાવીમાં આવેલી મસ્જિદના ગેરકાયદે હિસ્સાને તોડવાની મુદત આજે પૂરી થઈ ગઈ છે અને હવે મસ્જિદ તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મસ્જિદ કમિટી પોતે જ ગેરકાયદે ભાગ તોડી રહી છે. પાલિકાના એન્જિનિયર્સના માર્ગદર્શન હેઠળ મસ્જિદ ટ્રસ્ટ પોતે આ કાર્યવાહી કરી રહ્યું છે. સૌ પ્રથમ મસ્જિદની ઉપર બનેલા ગેરકાયદે ગુંબજને તોડી પાડવામાં આવશે, ત્યાર બાદ અન્ય ગેરકાયદે ભાગોને તોડી પાડવામાં આવશે.

અગાઉ પાલિકાની ટીમ અહીં નિરીક્ષણ કરવા આવી ત્યારે મસ્જિદ ટ્રસ્ટે ગેરકાયદે બાંધકામના કેટલાક ભાગને લીલા પડદાથી ઢાંકી દીધું હતું. મસ્જિદ ટ્રસ્ટનું કહેવું છે કે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે કાયદા મુજબ થશે. અગાઉ, મસ્જિદ ટ્રસ્ટે પોતે ધારાવીની મહેબૂબ-એ-સુભાનિયા મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું વચન આપ્યું હતું. આ વચનની મુદત પૂરી થયાને લગભગ ૫ દિવસ થઈ ગયા બાદ મસ્જિદ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પુણેમાં પણ ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકાએ મધરાતે ગેરકાયદે બાંધકામો સામે આ કાર્યવાહી કરી છે. હાઇ કોર્ટે આદેશ આપ્યો હતો કે પુણેના પિંપરી ચિંચવડમાં આવેલા તમામ ગેરકાયદે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવે ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : મુંબઇના ધારાવીમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલી BMC, વિસ્તારમાં તંગદિલી

છ મહિના પહેલા મહાનગરપાલિકાએ આવા તમામ ગેરકાયદે ધાર્મિક સ્થળોને નોટિસ પણ મોકલી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી, જે બાદ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી હતી. ત્યાંના મુસ્લિમો મસ્જિદ અને મદરેસા પર બુલડોઝરની કાર્યવાહીનો સખત વિરોધ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ આખો મામલો પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવડનો છે. ૨૫ વર્ષ પહેલા અહીં એક મસ્જિદ બનાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં દારુલ ઉલૂમ જામિયા ઈન આમિયા નામથી મદરેસા ચલાવવામાં આવી રહી હતી. હિન્દુ સંગઠનોએ તેની સામે ફરિયાદ કરી હતી.

દરમિયાન હાઈ કોર્ટે પણ આ વિસ્તારના તમામ ગેરકાયદે ધાર્મિક સ્થાનોને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ ગઈકાલે રાત્રે પાલિકાએ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવ્યું હતું. આ કાર્યવાહીમાં મદરેસાને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવી હતી અને મસ્જિદના કેટલાક ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા હતા. આ સિવાય આજે હિમાચલના કુલ્લુમાં ગેરકાયદે મસ્જિદ વિરુદ્ધ હિંદુ સંગઠનો અવાજ ઉઠાવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button