પર્યુષણમાં કતલખાના બંધ રાખવાની માગણી અંગે હાઈ કોર્ટનો સવાલ, ‘અન્ય ધર્મો પણ આવી માગણી કરશે તો?’

હરેશ કંકુવાલા
મુંબઈ: જૈન સમુદાય દ્વારા પર્યુષણ દરમિયાન નવ દિવસ સુધી કતલખાનું બંધ રાખવાની માગણી કરવામાં આવે છે ત્યારે જો આ પ્રકારનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવશે તો અન્ય ધર્મના લોકો ગણેશચતુર્થી હોય કે નવરાત્રી જેવા તેમના તહેવારો દરમિયાન આ પ્રકારની માગણી કરી શકે છે, એમ જણાવી બૉમ્બે હાઇ કોર્ટે આજે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે શું કોર્ટ આ પ્રકારનો આદેશ આપી શકે છે?
ગયા વર્ષે પર્યુષણ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા તથા પુણે અને નાશિક પાલિકા દ્વારા ફક્ત એક દિવસ કતલખાનું બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને પડકારતી અરજી એક જૈન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેની સુનાવણી વખતે હાઇ કોર્ટે ઉક્ત બાબત નોંધી હતી.
આપણ વાંચો: પર્યુષણ એટલે પેશનનું પર્વ
જૈન સમુદાય દ્વારા ૨૧મી ઓગસ્ટથી નવ દિવસ સુધી કતલાખાના બંધ રાખવાની માગણી કરી હતી. ટ્રસ્ટ દ્વારા જૈન ધર્મના અમુક સિદ્ધાંતો જેમ કે અહિંસા અંગે કોર્ટને જણાવ્યું હતું અને કહ્યું હતું કે પર્યુષણ દરમિયાન જો પ્રાણીઓની કતલ કરવામાં આવશે તો જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત જ સાધ્ય થતો નથી. ત્યાર બાદ કોર્ટે સવાલ કર્યો હતો કે શું તે આ પ્રકારનો આદેશ આપી શકે છે?
‘એવું ન થાય કે ભવિષ્યમાં આવી માગણી અન્ય ધર્મના સમુદાય દ્વારા કરવામાં આવે. જો જૈન ધર્મ માટે કતલખાના બંધ રાખવાનો આદેશ આપવામાં આવે તો અન્ય ધર્મના લોકો માટે આવા આદેશ મેળવવા માટેના દરવાજા ખૂલી જાય છે. ગણેશચતુર્થી હોય કે નવરાત્રી માટે પણ લોકો આવા આદેશની માગણી કરી શકે છે’, એમ કોર્ટે કહ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે પહેલાથી વર્ષમાં ૧૫ દિવસ કતલખાના બંધ રાખવાનું નક્કી કર્યું છે જેમાં પર્યુષણના એક દિવસનો સમાવેશ થાય છે.
મુંબઈની આસપાસની પાલિકાઓની હદમાં કોઇ કતલખાનું ન હોવાને કારણે તેમને પણ દેવનાર કતલખાના પર આધાર રાખવો પડે છે. આવી પરિસ્થિતિમાં કયા કાયદાકીય જવાબદારી હેઠળ નવ દિવસ કતલખાનું બંધ રાખવાનો આદેશ આપી શકાય?, એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે મુંબઈ, નાશિક, પુણે અને મીરા-ભાયંદર પાલિકાને જૈન ટ્રસ્ટની માગણી પણ નિર્ણય લેવાનું અને તેમનો નિર્ણય ૧૮મી ઓગસ્ટ સુધી જણાવવાનું કહ્યું હતું.
(પીટીઆઇ)