મુંબઈ: શિંદે જૂથના શિવસેના નેતા રાહુલ શેવાળેએ શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પક્ષના સંસદ સભ્ય સંજય રાઉત વિરુદ્ધ દાખલ કરેલા બદનક્ષી કેસમાંથી મુક્તિ માગતી તેમની અરજી ગુરુવારે અદાલતે નકારી હતી. શિવસેના (યુબીટી)ના મુખપત્ર ’સામના’માં પોતાની વિરુદ્ધ બદનક્ષીભર્યા લેખ છાપવાનો આરોપ શેવાળેએ કર્યો છે. ઉદ્ધવ ઠાકરે ‘સામના’ના તંત્રી છે જ્યારે સંજય રાઉત કાર્યકારી તંત્રી છે. શેવાળે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના લોકસભામાં જૂથ નેતા છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કેસમાંથી મુક્તિ માગતી કરેલી અરજી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (મઝગાંવ કોર્ટ) એસ.બી. કાળેએ રદ કરી હતી. અદાલતનો વિગતવાર આદેશ હજી ઉપલબ્ધ નથી થયો. પુરાવાના રેકોર્ડિંગ માટે અદાલતે મામલો નવ નવેમ્બર પર મુલતવી રાખ્યો હતો. શેવાળેએ ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૦ (બદનક્ષી માટે સજા) અને કલમ ૫૦૧ (બદનક્ષીભર્યું લખાણ છાપવું) હેઠળ બંને નેતા સામે પગલાં લેવાની માગણી કરી છે. (પીટીઆઈ)