રિક્ષા અને ટેક્સીમાં બે અને ચાર રૂપિયા વધારવા માટેની માગ
મુંબઈ: ખટુઆ સમિતિની ભલામણનું કારણ આપીને મુંબઈમાં ટેક્સી અને રિક્ષા સંગઠન ફરી એક વાર ભાડાવધારા માટે દબાણ કરી રહ્યું છે. હાલના ટેક્સીનું મિનિમમ ભાડું રૂ. ૨૮ અને રિક્ષાનું રૂ. ૨૩ છે. આ ભાડું ઓછું પડતું હોવાથી અનુક્રમે ચાર અને બે પ્રતિ કિલોમીટરે ભાડાવધારો કરવાની સંગઠને વિનંતી કરી છે.
કોરોના સમયમાં થયેલા નુકસાન હજી પૂરું નથી પડ્યું. તેમ જ રિક્ષા-ટેક્સીની દેખભાળ અને સમારકામનો ખર્ચ અડધાથી વધી ગયો છે. આ સાથે ફ્યુઅલની કિંમત પણ ઓછી નથી થઇ રહી. આને કારણે ખટુઆ સમિતિની ભલામણને આધારે આ ભાડાવધારો કરવાનો પ્રસ્તાવ સંગઠન દ્વારા પરિવહન વિભાગને મોકલવામાં આવ્યો છે.
ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ રિક્ષાનું ભાડું રૂ. ૨૧થી ૨૩ અને ટેક્સીનું રૂ. ૨૫ પરથી ૨૮ કરવામાં આવ્યું હતું. ભાડાવધારો કરવામાં આવ્યો એને અઢી વર્ષ વીતી ગયું હોવાથી સમિતિએ ઉક્ત પ્રસ્તાવ મોકલાવ્યો છે. જો સમિતિએ પરિવહન વિભાગને કરેલી ભલામણને માન્ય કરવામાં આવશે તો પ્રવાસીઓને માથે વધુ એક મોંઘવારીનો ફટકો બેસવાનો છે.