સમુદ્રકિનારા નજીક ઘર લેવાની માગમાં ઉછાળો: ₹ ૧૧,૪૦૦ કરોડનાં આલીશાન ઘરનાં વેચાણ થયાં
મુંબઈ: મુંબઈ જેવી નગરીમાં સમુદ્રકિનારો દરેકનો ગોઠતો હોય છે. અહીંના ચોપાટી, મરીન ડ્રાઈવ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી ગગનચુંબી ઈમારતો પણ લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. સમુદ્રકિનારાને અડીને જ આવેલા ટાવરમાં પોતાનું ઘર હોવું, એવું સપનું દરેક મુંબઈગરાનું રહેતું હોય છે. અહીં મુંબઈગરાનું સપનું સાકાર થઇ રહ્યું હોવાનું છેલ્લા નવ મહિના દરમિયાન વેચાણમાં થયેલા ઉછાળા બાદ જાણવા મળ્યું છે.
છેલ્લા નવ મહિના દરમિયાન મુંબઈમાં સી ફેસિંગ એટલે કે દરવાજા, બારીની બાજુ સમુદ્ર તરફ હોય એવી દિશા ધરાવતાં ઘરોની માગમાં ઉછાળો જોવા મળ્યો છે. આ સમય દરમિયાન મુંબઈગરાએ રૂ. ૧૧,૪૦૦ કરોડના આલીશાન ઘરોની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી કંપનીના માલિકો, બોલિવુડના કલાકારો, મોટા બિઝનેસમેનોએ પ્રતિચોરસ ફૂટના દોઢ લાખ રૂપિયા ગણ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આમાંથી સૌથી મોટી ડીલ હાલમાં જ દક્ષિણ મુંબઈના એક આલીશાન બિલ્ડિંગમાં થઇ હતી. આ બિલ્ડિંગમાં ફાઈનાન્સ કંપનીનાં ડિરેક્ટર મહિલાએ રૂ. ૨૬૩ કરોડના ત્રણ ફ્લેટની ખરીદી કરી છે. આ પૈકીનો એક ફ્લેટ ૨૪મા, જ્યારે અન્ય બે ફ્લેટ પચીસમા માળે છે. આ ફ્લેટનો એરિયા ૯૭૧૯ ચોરસ ફૂટ છે.
બીજી બાજુ પ્લાસ્ટિક ઉદ્યોગના એક ઉદ્યોગપતિએ દક્ષિણ મુંબઈમાં એક આલીશાન બિલ્ડિંગમાં ૧૬ અને ૨૧મા માળે ખરીદેલા ફ્લેટના રૂ. ૧૫૪ કરોડ ચૂકવ્યા હતા. અન્ય એક ઉદ્યોગપતિએ દક્ષિણ મુંબઈની જ એક આલીશાન બિલ્ડિંગમાં ૨૯, ૩૦ અને ૩૧ એમ ત્રણ માળ રૂ. ૨૫૨.૫૦ કરોડ આપીને ખરીદ્યા હતા. આ ઘરનો એરિયા અંદાજે ૧૮ હજાર ફૂટ હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈના સૌથી આલીશાન પેન્ટ હાઉસ તરીકે ઓળખાતું હોવાનું જાણવા મળે છે.