‘ડિલાઈલ બ્રિજ’ ત્રણ-ચાર દિવસમાં ખુલ્લો મુકાશે: સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલનું થોડું કામ હજી બાકી છે અને સત્તાવાર રીતે તેને ખુલ્લો મૂકવામાં આવે તે પહેલા જ ગુરુવારે મોડી રાતે શિવસેનાના (યુટીબી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સહિત પક્ષના કાર્યકર્તાઓએ તેને બિનસત્તાવાર રીતે ખુલ્લો મૂકી દીધો હતો. જોકે શુક્રવારે પાલિકાએ પુલનું કામ હજી થોડું બાકી હોવાથી સંર્પૂણરીતે ખુલ્લો મૂકવામાં હજી ત્રણ ચાર દિવસનો સમય લાગશે એવી જાહેરાત કરી હતી.
શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સહિત શિવસેના કાર્યકર્તાઓએ ગુરુવારે મોડી રાતે લોઅર પરેલના ડિલાઈલ પુલની બીજી તરફની લેન પણ ટ્રાફિક માટે ખુલ્લી મૂકી દીધી હતી અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, તેમની તકલીફ દૂર કરવા માટે આ પગલુ લેવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે પાલિકા પ્રશાસને શુક્રવારે ડિલાઈલ પુલનું કામ હજી થોડું કામ બાકી હોવાથી આગામી ત્રણ-ચાર દિવસમાં તેને પૂર્ણ ક્ષમતાએ ખુલ્લો મૂકવામાં આવશે એવું જાહેર કર્યું હતું. આ પુલ પરથી બંને દિશામાં
ટ્રાફિક ચાલુ થવાથી દક્ષિણ મુંબઈનો પ્રવાસ વાહનચાલકો માટે રાહતરૂપ રહેશે એવો દાવો પાલિકાએ કર્યો છે.
દક્ષિણ મુંબઈને જોડવા માટે ટ્રાફિક માટે મહત્ત્વનો પર્યાય ગણાતા લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલનું કામ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્ટ્રીટલાઈન, લેન માર્કિંગ, પેઈન્ટિંગ જેવા કામ અંતિમ તબક્કામાં હોઈ આગામી ત્રણથી ચાર દિવસમાં તેને પૂર્ણ રીતે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ડિલાઈલ પુલના બાંધકામમાં રેલવે પરિસરને જોડનારા એન.એમ. જોશી માર્ગ પર અપ અને ડાઉન એમ બંને દિશામાં ગર્ડર નાંખવાનું કામ ઑગસ્ટ, ૨૦૨૩માં પૂરું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માસ્ટિક રૅમ્પ, કૉંક્રિટીકરણ, સ્ટ્રીટલાઈટના કામ હાથમાં લેવામાં આવ્યા હતા. છેલ્લા તબક્કામાં ડામરીકરણનું કામ ચાલતુ હતું, જે ૧૦ નવેમ્બર, ૨૦૨૩ના પૂરું થયું હતું.
રોમન લિપીમાં ‘ટી’ આકારનો રહેલો ડિલાઈલ પુલનો લોઅર પહેલ સ્ટેશનના પશ્ર્ચિમ દિશામાં ગણપતરાવ કદમ માર્ગથી એન.એમ.જોશી માર્ગ એમ વાહનવ્યવહારને પર્યાય આપવાની લેન આ પહેલા જૂનમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારબાદ લોઅર પરેલના ડિલાઈલ પુલની બીજી લેનનું કામ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના પૂરું કરવામાં આવ્યું હતું, જે લોઅર પરેલને કરી રોડ સાથે જોડે છે, તેને ગણેશોત્સવમાં ખુલ્લી મૂકવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આઈઆઈટી-બોમ્બેએ જુલાઈ, ૨૦૧૮માં ડિલાઈલ પુલને જોખમી જાહેર કરતા તેને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો.