આમચી મુંબઈ

ફિલ્મ અભિનેતા દીપક તિજોરી સાથે 2.5 લાખની છેતરપિંડી: ત્રિપુટી સામે ગુનો

મુંબઈ: આગામી ફિલ્મ માટે ભંડોળની વ્યવસ્થા કરી આપવાને બહાને અભિનેતા દીપક તિજોરી સાથે 2.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે કહ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર દીપક તિજોરી તેમની નવી ફિલ્મને લઇ નાણાકીય સહાય માટે પ્રયાસ કરી રહ્યા હતા. એ સમય દરમિયાન મિત્રએ તિજોરીની મુલાકાત એક આરોપી સાથે કરાવી હતી, જેણા દાવો કર્યો હતો કે તે મ્યુઝિક કંપની સાથે સંકળાયેલો છે.

ફેબ્રુઆરી, 2024માં તિજોરીની મુલાકાત મહિલા સાથે થઇ હતી, જેણે દાવો કર્યો હતો કે તે ફિલ્મ પ્રોડ્યુસર છે અને ખાતરી આપી હતી કે રોકાણકારો મેળવી આપવામાં મદદ કરશે. આ કામ પૂરું કરવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. તિજોરીએ ત્યાર બાદ પહેલા હપ્તા તરીકે અઢી લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

આરોપીઓએ એક અઠવાડિયાની અંદર પ્રતિષ્ઠિત ક્ધટેન્ટ કંપની તરફથી ‘લેટર ઓફ ઇન્ટરેસ્ટ‘ અપાવવાનું વચન આપ્યું હતું અને તે માટે ‘કરાર’ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. જોકે આરોપીઓ દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ ગયા હતા અને બાદમાં તેઓ તિજોરીના કૉલ્સ રિસિવ કરવા અને મેસેજનો જવાબ આપવાનું ટાળવા લાગ્યા હતા.

દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં અભિનેતાએ ગયા મહિને બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. તમામ આરોપીને સમન્સ મોકલવામાં આવ્યા હોઇ આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button