મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો? ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગેરકાયદે રીતે પાણી ખેંચવામાં આવતું હોવાને મુદ્દે તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મુંબઈમાં હાલ સેંકડો ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે ત્યાં કથિત રીતે ગેરકાયદેસર ભૂગર્ભ જળ ખેંચવામાં આવતું હોવાની ફરિયાદ આવ્યા બાદ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) એ મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ ઉપનગરીય કલેકટરને ખરેખર મુંબઈમાં આવું થઈ રહ્યું છે કે નહીં? તેની તપાસ કરવાની સૂચના આપી છે. જો મુંબઈમાં ખરેખર નેચરલ ગ્રાઉન્ડ વોટર (કુદરતી ભૂગર્ભ જળ)ને ગેરકાયદે રીતે ખેંચવામાં આવી રહ્યું છે તો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) નોટિફિકેશન ૧૯૯૧માં રહેલી જોગવાઈનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો નિયમોનો ભંગ કરનારા સંબંધિતો સામે પગલાં લેવાની સૂચના પણ એમસીઝેડએમએ અધિકારીઓને આપી હોવાનું જાણવા મળ્યું છે.
પર્યાવરણ કાર્યકર્તા ઝોરુ ભાથેના દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા એમસીઝેડએમએ ગયા અઠવાડિયે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ ઉપનગરીય કલેકટર ઓફિસને પત્ર મોકલ્યો હતો. જાન્યુઆરી, ૨૦૨૪માં એમસીઝેડએમએને લખેલા પત્રમાં ઝોરુ ભાથેનાએ જણાવ્યું હતું કે એવું અવલોકન કરવામાં આવ્યું છે કે સમગ્ર મુંબઈમાં હજારો ક્ધસ્ટ્રક્શન સાઈટ પર બેઝમેન્ટ બાંધવા માટે વિશાળ માત્રામાં ભૂગર્ભજળને ખેંચવામાં આવી રહ્યું છે, તેને કારણે જમીનની નીચે રહેલો પાણીનો કુદરતી સ્રોત સુકાઈ રહ્યો છે. એવું પણ જણાઈ આવ્યું છે કે જુહૂના કોસ્ટર રેગ્યુલેશન ઝોન વિસ્તારમાં કુદરતી ભૂગર્ભજળના સ્તરમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો. મે મહિનામાં જે ઘટાડો હોય તે જાન્યુઆરી મહિનામાં જ જોવા મળી રહ્યો છે. વધુ તપાસમાં જણાઈ આવ્યું હતું કે ફકત જુહૂ જ નહીં પણ સમગ્ર મુંબઈના ભૂગર્ભજળના સ્તરમાં ભારે ઘટાડો થયોે છે. શહેર માટે તોળાઈ રહેલી પાણીની કટોકટીનો આ સંકેત છે.
સામાજિક કાર્યકર્તાએ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ના તેમના પત્રમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે જુહૂ બીચ પાસે આવેલા જુહૂ તારા રોડ પર એક પ્લોટ પર બેઝમેન્ટના નિર્માણ માટે દરરોજ વિશાળ માત્રામાં ભૂગર્ભજળ પંપ દ્વારા ખેંચવામાં આવી રહ્યું છે અને આવું માત્ર આ વિસ્તારમાં નહીં પણ મુંબઈની હજારો ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગેરકાયદે રીતે કુદરતી પાણી ખેંચવામાં આવી રહ્યું છે. સીઆરઝેડ વિસ્તારમાં નિયમ મુજબ ભૂગર્ભજળના ખેંચવા પર પ્રતિબંધ છે.
આ પત્ર સામાજિક કાર્યકર્તાએ પ્રિન્સીપલ સેક્રેટરી, એનવાયર્નમેન્ટ એન્ટ ક્લાઈમેટ ચેન્જ, મહારાષ્ટ્ર વોટર રિસોર્સિસ રેગ્યુલેટરી ઓથોરિટી, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી, મુંબઈ મહાનગરપાલિકાને લખીને ગેરકાયદે રીતે કુદરતી પાણીને બોરવેલથી પંપ દ્વારા ખેંચી રહ્યા છે તેમને શું બાંધકામ કરવા માટે પાણી ખેંચવાની મંજૂરી આપવામાં આવી છે? એવો સવાલ કરીને સંબંધિતો સામે પગલા લેવાની પણ માગણી કરી છે.