ક્રિકેટ રમવા આવેલા સીએના પાકીટમાંથી ડેબિટ-ક્રેડિટકાર્ડ ચોરાયાં: રૂપિયા કાઢી લીધા, લાખોના ખરીદી કરી
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ક્રોસ મેદાન ખાતે ક્રિકેટ રમતી વખતે પોતાનું પાકીટ નધણિયાતું મૂકવાનું 28 વર્ષના ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ભારે પડ્યું હતું. પાકીટમાંથી કેડિટ કાર્ડ, ડેબિટ કાર્ટ ચોરીને ગઠિયાએ એટીએમમાંથી રૂ. એક લાખ કાઢી લીધા હતા, જ્યારે દુકાનમાંથી રૂ. પાંચ લાખથી વધુની કિંમતની ખરીદી કરી હતી.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક દવેની ફરિયાદને આધારે આઝાદ મેદાન પોલીસે ભારતીય દંડસંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ઘટના 30 માર્ચે બની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વિવેક દવે ક્રિકેટ રમવા માટે ક્રોસ મેદાનમાં ગયો હતો. તેણે મેદાનમાં આવ્યા બાદ કપડાં બદલ્યાં હતા અને પોતાનું પાકીટ તથા મોબાઇલ બેગમાં રાખ્યાં હતાં. પાકીટમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
ક્રિકેટ રમ્યા બાદ વિવેકે બોરીવલીમાં ઘરે જવા માટે ટ્રેન પકડી હતી. ત્યાં તેના મોબાઇલ પર બેન્કમાં વ્યવહાર થયા હોવાના મેસેજ આવ્યા હતા. તેના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. એક લાખ કાઢી લેવાયા હતા, જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ચાર દુકાનમાંથી રૂ. પાંચ લાખથી વધુની ખરીદી કરી હતી, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
એફઆઇઆર અનુસાર વિવેક દવે ક્રોસ મેદાનમાં ત્રણ કલાક સુધી ક્રિકેટ રમતો હતો. એ સમયે તેના પાકીટમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચોરવામાં આવ્યાં હતાં. તેના આધારે ગઠિયાએ એટીએમમાંથી એક લાખ ઉપાડી લીધા હતા, જ્યારે જ્વેલર્સની દુકાનમાંથી ખરીદી કરી હતી.
દરમિયાન વિવેકે તેને આવેલા મેસેજને આધારે એક દુકાનનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેના કાર્ડનો ઉપયોગ કરાયો હતો. દુકાનના માલિકે તેને આરોપીનું સીસીટીવી કેમેરાના ફૂટેજ મોકલ્યું હતું. આ ફૂટેજ બાદમાં પોલીસને સોંપાયું હતું. (પીટીઆઇ)