આમચી મુંબઈ

ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ઇમેઇલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી: ૨૦ કરોડ રૂપિયા માગ્યા

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીને ઇમેઇલ પાઠવવામાં આવ્યો હતો, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ૨૦ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ પ્રકરણે ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી હતી.

ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને શુક્રવારે ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. શાદાબ ખાન નામની વ્યક્તિ દ્વારા આ ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો, જેમાં રૂ. ૨૦ કરોડ નહીં આપે તો મૂકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત અમારી પાસે ભારતમાં સારા શૂટર્સ છે, એવું પણ જણાવાયું હતું.

દરમિયાન ધમકીભર્યો ઇમેઇલ મળ્યા બાદ સિક્યુરિટી ઇન્ચાર્જે ગામદેવી પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભારતીય દંડસંહિતાની કલમ ૩૮૭ અને ૫૦૨ (૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ મુંબઈ સાયબર ક્રાઇમ સેલને આ અંગે તપાસ સોંપી હોઇ આરોપીની શોધ ચલાવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ મૂકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને મોતની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે બિહારના દરભંગાથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ મુંબઈમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને પણ ફૂંકી મારવાની ધમકી આપી હતી.

૨૦૨૧માં મૂકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળી આવી હતી. આ સ્કોર્પિયો જેના નામે હતી એ થાણેના વેપારી મનસુખ હિરેનનો મૃતદેહ બાદમાં મુંબ્રા રેતીબંદર ખાડી કિનારે મળી આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button