કર્જત નજીક ટેમ્પોએ અડફેટમાં લેતાં સાધ્વીજી-શ્રાવિકાનાં મૃત્યુ

અકસ્માત બાદ ફરાર થઈ ગયેલો ટેમ્પો ડ્રાઈવર તુર્ભેમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કર્જત નજીક બનેલી કમનસીબ ઘટનામાં નેરુળ તરફ વિહાર કરતી વખતે ટેમ્પોએ અડફેટમાં લેતાં સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી અને તેમનાં શ્રાવિકાનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય એક શ્રાવિકા ગંભીર રીતે જખમી થયાં હતાં. વહેલી સવારે થયેલા અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા ટેમ્પોના ડ્રાઈવરને પોલીસે તુર્ભેમાં પકડી પાડ્યો હતો. અકસ્માતમાં સાધ્વીજીના મૃત્યુને પગલે જૈન સમાજમાં શોક ફેલાઈ ગયો હતો.
કર્જત પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર ગરડે `મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ઘટના સોમવારની વહેલી સવારે 5.30 વાગ્યે કર્જત નજીક બની હતી. સાધ્વીજી અને 10થી 12 જણ કર્જતથી નેરુળ વિહાર કરતાં હતાં ત્યારે પૂરપાટ વેગે આવેલા ટેમ્પોએ સાધ્વીજી સહિત ત્રણને અડફેટે લીધાં હતાં.
અકસ્માતમાં સાધ્વીજી અને વિહાર સેવા ગ્રુપ કર્જતના લતાબહેન સંદીપ ઓસવાલ (હિંગડ)નાં ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયાં હતાં. ટેમ્પોની અડફેટે દિવાળીબહેન ઓસવાલ પણ ગંભીર રીતે ઘવાયાં હોવાથી સારવાર માટે તેમને પનવેલની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, એમ પણ ગરડે જણાવ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં કર્જત પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાધ્વીજી સાથે વિહાર કરનારાઓએ આપેલી માહિતીને આધારે પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે પોલીસે સંબંધિત ટેમ્પોને ઓળખી કાઢ્યો હતો. રજિસ્ટે્રશન નંબરને આધારે તપાસ કરતાં ટેમ્પો તુર્ભે હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તુર્ભે પહોંચેલી પોલીસે ટેમ્પો ડ્રાઈવર રામશંકર છોટેલાલ સેન (45)ની ધરપકડ કરી હતી.
પં. ધર્માવિજયજી મ.સા. ડહેલાવાલાના સમુદાયના સાધ્વીજીના દીક્ષાપર્યાયને 30 વર્ષ થયાં હતાં. તેમનું સંસારી વતન સુણતર સમાજ (માલવાડા ગામ) હોવાની માહિતી મળી હતી.