મધ્યાહ્ન ભોજનમાંથી મળ્યો મૃત સાપ: વિધાનસભામાં પડઘા પડ્યા
મુંબઈઃ સાંગલીમાં આવેલી સરકાર દ્વારા સંચાલિત નર્સરી સ્કૂલમાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહ્ન ભોજનમાં એક મરેલો સાપ મળી આવતા તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સોમવારે સાંગલીના પાલુસમાં આંગણવાડીમાં ભણતા એક વિદ્યાર્થીના માતા-પિતાએ આ અંગે ફરિયાદ કરી હતી.
રાજ્યના આંગણવાડી વર્કર્સ યુનિયનના ઉપાધ્યક્ષ આનંદી ભોંસલેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ ઘટના પડઘા હાલ ચાલી રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ પડયા હતા.
આ પણ વાંચો: આંગણવાડી સ્કૂલોમાં બાળકોની જાન જોખમમાં, મિડ-ડે મીલના પેકેટમાં મળ્યો મૃત સાપ
કોંગ્રેસના નેતા તેમ જ પાલુસ-કાડેગાંવના વિધાનસભ્ય વિશ્વજીત કદમ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેવી માગણી કદમે કરી હતી.
વિદ્યાર્થીના માતા-પિતાએ ભોજનમાંથી મળેલા મરેલા સાંપનો ફોટો પાડીને તેને આંગણવાડીની સેવિકાને મોકલાવ્યો હતો. આ ઘટના બાદ તે ભોજનના પેકેટના સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાવી દેવામાં આવ્યા હતા.
ભોંસલેએ આ અંગે કહ્યું હતું કે આંગણવાડીમાં છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોને મધ્યાહ્ન ભોજનના પેકેટ આપવામાં આવ્યા હતા જે પ્રિ-મિક્સ દાલ ખિચડીના હતા. આ પેકેટ આંગણવાડીએ આવતા બાળકોના માતા-પિતાને સોંપી દેવામાં આવે છે. સોમવારે પાલુસમાં આંગણવાડીમાં પોતાના બાળકને ભણાવતા માતા-પિતાએ પોતાના પેકેટમાંથી સાંપ નીકળ્યો હોવાની ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: શાહપુરની આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર: ચાર સામે ગુનો
આ મુદ્દો જિલ્લા પરિષદની બીજી જુલાઇએ યોજવામાં આવેલી બેઠકમાં પણ ઉઠાવાયો હોત અને આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી માહિતી જિલ્લા પરિષદના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર સંદિપ યાદવે આપી હતી.