પનવેલમાં ગોદામમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો: શકમંદની ધરપકડ…
થાણે: પનવેલમાં ગોદામમાંથી અજાણી વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ મળ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને શકમંદની ધરપકડ કરી હતી. પૈસાને મુદ્દે થયેલા વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?
પનવેલ રેલવે સ્ટેશન નજીક ગોદામમાંથી 16 સપ્ટેમ્બરે અજાણી વ્યક્તિનો કોહવાયેલોે મૃતદેહ મળી આવ્યો હતો, જેને હોસ્પિટલમાં મોકલાયો હતો.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગવળીએ જણાવ્યું હતું કે કપડાથી ગળું દબાવીને એ વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો.
ઉપરોક્ત વિસ્તારમાં સીસીટીવી કેમેરા ન હોવાને કારણે પોલીસને શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો.
મૃતકે ઘટનાને દિવસે અજાણ્યા સાથીદાર સાતે દારૂ પીધો હશે એવું માનીને પોલીસે ઘટનાસ્થળ તરફ જતા છ રસ્તાઓના લગભગ 50 સીસીટીવી રેકોર્ડિંગ તપાસ્યા હતા, જેમાં મૃતક સાથે શકમંદ ફરતો નજરે પડ્યો હતો.
પોલીસે બાદમાં શકમંદની શોધ આદરી હતી અને તેને પનવેલમાં કોલીવાડા મચ્છી માર્કેટ ખાતેથી તાબામાં લીધો હતો.
શકમંદની ઓળખ ધીરજ વર્મા (27) તરીકે થઇ હતી, જે મધ્ય પ્રદેશનો વતની છે અને પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક અને ધીરજે બાદમાં દારૂ પીધો હતો અને બાદમાં જમવા માટે ગયા હતા, જ્યાં પૈસા ચૂકવવાને મુદ્દે તેમની વચ્ચે વિવાદ થયો હતો. ધીરજે એ સમયે પૈસા ચૂકવી દીધા હતા અને બાદમાં તેણે મૃતક પાસે પૈસા માગ્યા હતા. તેણે ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા ધીરજે ગળું દબાવીને તેની હત્યા કરી હતી.