ડૅટિંગ ઍપ પર મુલાકાત બાદ યોગા શિક્ષિકા સાથે રૂ. 3.36 લાખની છેતરપિંડી
મુંબઈ: ડૅટિંગ ઍપ પર મુલાકાત બાદ મુંબઈની 46 વર્ષની યોગા શિક્ષિકા સાથે રૂ. 3.36 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.
આરોપી અમિત કુમારે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ડોક્ટર હોવાનો દાવો કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહિલા દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની રહેવાસી છે. તાજેતરમાં તેનો ટિંડર ડૅટિંગ ઍપ પર આરોપી સાથે પરિચય થયો હતો. બંને ટિંડર પર એકબીજાના સંપર્કમાં હતાં.
થોડા દિવસ બાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબર શૅર કર્યા હતા અને બાદમાં વ્હૉટ્સઍપ પર બંને ચેટિંગ કરવા લાગ્યા હતા.
25 એપ્રિલે આરોપીએ ફરિયાદી મહિલાને કહ્યું હતું કે તેણે એક ગિફ્ટ મોકલી છે, જે કલેક્ટ કરવાની રહેશે. થોડા દિવસ બાદ ફરિયાદીને કૉલ આવ્યો હતો. કૉલ કરનારી મહિલાએ જણાવ્યું હતું કે તે કુરિયર કંપનીમાંથી બોલી રહી છે. માન્ચેસ્ટરથી તમારી ગિફ્ટ આવી ગઇ છે. ગિફ્ટ તમારા સુધી મોકલવા અમુક ઔપચારિકતા કરવી પડશે, એવું કહી મહિલાએ ફરિયાદી પાસેથી રૂપિયાની માગણી કરી હતી.
મહિલાના કહેવાથી ફરિયાદીએ વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂ. 3.36 લાખ ડિપોઝિટ કર્યા હતા. જોકે બાદમાં ફરિયાદીના ધ્યાનમાં આવ્યું હતું કે તેની સાથે છેતરપિંડી આચરાઇ હતી. આથી તેણે મરીન ડ્રાઇવ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)