ટૂંકા વસ્ત્રો પહેરીને ડાન્સ કરવો એ કોઇ અશ્લીલતા નથી: બોમ્બે હાઇ કોર્ટનો આદેશ…
મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આજે કહ્યું હતું કે ટૂંકા વસ્ત્રો પહેરેલી યુવતીઓ ડાન્સ કરતી હોય તો તેને ‘અશ્લીલ’ કહી શકાય નહીં અને તેના માટે કોઈને ગુનેગાર ગણી શકાય નહીં, છ ડાન્સર સહિત 13 અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો કે તેઓ ટૂંકા વસ્ત્રો પહેરીને લોકોને ઉશ્કેરે તેવા ડાન્સ કરે છે. ત્યારે જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ વાલ્મિકી મેનેઝીસની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે વર્તમાન સમયમાં મહિલાઓ માટે સ્વિમિંગ કોસ્ચ્યુમ અથવા અન્ય આકર્ષક પોશાક પહેરવાનું સ્વીકાર્ય અને સામાન્ય છે.
ટૂંકા સ્કર્ટ પહેરવા અને ઉશ્કેરણીજનક ડાન્સ મૂવ્સ, જેને પોલીસ અધિકારીઓ દ્વારા અશ્લીલ માનવામાં આવે છે અને એફઆઈઆરમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના વિશે કોર્ટે કહ્યું હતું કે અમે ભારતીય સમાજમાં નૈતિક ધોરણો વિશે સભાન છીએ. સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવેલી ફિલ્મોમાં અથવા સૌંદર્ય સ્પર્ધાઓમાં યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરે જ છે પરંતુ તેનાથી દર્શકોને કોઇ ખલેલ પહોંચતો નથી. ત્યારે IPCની કલમ 294 (અશ્લીલ કૃત્યો અથવા શબ્દો) આ કિસ્સામાં લાગુ થશે નહીં.
પોલીસે એક ખાનગી રિસોર્ટના બેન્ક્વેટ હોલમાં દરોડા પાડ્યા પછી કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યાં અરજદારો કથિત રીતે ટૂંકા વસ્ત્રો પહેરેલી મહિલાઓને અશ્લીલ રીતે ડાન્સ કરતી જોઈ રહ્યા હતા અને તેમના પર રૂ. 10ની નકલી નોટો વરસાવતા હતા. પોલીસ એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દર્શકો વિદેશી બનાવટનો દારૂ પણ પીતા હતા.
31 મેના રોજ ઉમરેડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર રદ કરવા માટે અરજદારોએ દાવો કર્યો હતો કે આ તમામ એફઆઇઆર ખોટી રીતે બનાવવામાં આવી છે તેમ કહીને તેઓ પોલીસની એફઆઇઆર વિરુદ્ધ આઈપીસીની કલમ 294 અને 34, મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 110, 131A, 33A, 112 અને 117, મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 65(E) હેઠળ ફરિયાદ દાખલ કરીને હાઇ કોર્ટ પહોંચ્યા હતા.
બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે અરજીકર્તાઓ અને ડાન્સ કરનાર વિરુદ્ધ એફઆઈઆરમાં એવો કોઈ આરોપ નથી કે તેઓએ અભદ્ર પ્રદર્શન અથવા અપમાનજનક ભાષા દ્વારા જનતાના કોઈપણ સભ્યને હેરાન કર્યા છે, જેનાથી શાંતિનો ભંગ થયો છે. સેક્શન 131A જાહેર મનોરંજન માટે પોલીસ એક્ટ હેઠળ લાઇસન્સ મેળવવામાં નિષ્ફળતા માટે સજાની જોગવાઈ કરે છે. આ જોગવાઈ માત્ર આવી જગ્યાના કબજેદારને લાગુ પડશે આરોપીને નહીં.