રાજ્યની મહાયુતિમાં ડખો! અજિત પવાર સત્તાની વહેંચણીથી નારાજ: અમિત શાહે સમજાવીને પાછા મોકલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સત્તાની વહેંચણીમાં થઈ રહેલા અન્યાયની ફરિયાદ લઈને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા અને ૪૦ મિનિટ લાંબી ચર્ચા બાદ અમિત શાહે અજિત પવારની ફરિયાદોના નિવારણની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ ચર્ચામાં મરાઠા અનામતના મુદ્દાને જે રીતે મુખ્ય પ્રધાન હેન્ડલ કરી રહ્યા છે તેના અંગે નારાજી વ્યક્ત કરવામાં આવી હતી. આવી જ રીતે અજિત પવાર અને તેમના પ્રધાનોને જે રીતે કાપવામાં આવી રહ્યા છે તેની પણ નારાજી વ્યક્ત કરવામાં આવી હતી.
આ બેઠકમાં હાજર એનસીપીના એક નેતાએ કહ્યું હતું કે અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને સંસદસભ્ય સુનિલ તટકરે અમિત શાહને મળવા ગયા હતા. આ બેઠકમાં લાંબા સમયથી કેબિનેટના વિસ્તરણનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે અજિત પવાર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને ફડણવીસના માધ્યમથી શિંદે પાસે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી રાજ્યમાં તેમના માથે બે-બે બોસ હોવાનું ચિત્ર ઉભું થઈ રહ્યું છે. ૪૦ મિનિટ લાંબી બેઠકમાં તેમણે રાજ્યમાં મરાઠા અનામતના પ્રશ્ર્નને યોગ્ય રીતે હાથ ધરવામાં આવતો ન હોવાથી ઓબીસી વિરુદ્ધ મરાઠા સમાજ એવો સંઘર્ષ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અત્યારે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી બધા વ્યસ્ત છે, પરંતુ એક વખત ચૂંટણી પૂરી થઈ ગયા બાદ આ બાબતે ચર્ચા કરવામાં આવશે.
અજિત પવારે એમ પણ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી આડે માંડ એક વર્ષનો સમય છે ત્યારે તેમની સાથે આવેલા મહત્તમ વિધાનસભ્યો અને નેતાઓને સત્તાના પદો મળવા જોઈએ, જેથી તેઓ સ્થાનિક સ્તરે તેમની હાજરી દેખાડી શકે. શિંદે આવું થવા દઈ રહ્યા નથી. અમારી પાસે ઘણો ઓછો સમય છે. લોકસભાની ચૂંટણીમાં પ્રભાવ દેખાડવો હોય તો જેના પર સહમતી સધાઈ હતી એટલું આપવું જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે અજિત પવાર અને એકનાથ શિંદે વચ્ચે પહેલેથી જ સંઘર્ષ છે. અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાનપદ અને નાણાં ખાતું આપવામાં આવ્યું તે શિંદેને ગમ્યું નહોતું. આવી જ રીતે પુણે જિલ્લાના વિવિધ વિકાસકામ અંગે અજિત પવારે બેઠક આયોજિત કરી હતી તેનાથી સંઘર્ષમાં વધારો થયો હતો. આ ઉપરાંત અજિત પવારે ભાજપ સાથે સંબંધ ધરાવતા છ સહકારી સાકર કારખાનાને એનસીડીસી પાસેથી લોન લેવા પર નિયંત્રણો લાદ્યા હતા ત્યારે આ નિર્ણયને શિંદે દ્વારા ઉલટાવવામાં આવ્યો હતો. આ બધાને કારણે અજિત પવાર નારાજ છે અને તેમને પોતાના નિર્ણયોની સ્વતંત્રતા જોઈએ છે.
અહીં ઉલ્લેખનીય છે કે અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળ દ્વારા મરાઠા અનામતના વિરોધમાં કરવામાં આવેલા નિવેદન વખતે અજિત પવારે પોતાના નેતાને રોકવામાં આવ્યા નહોતા તે બાબત પણ એકનાથ શિંદેની નારાજગીમાં વધારો કરી રહી છે.