કચ્છીઓ માટે મોટા સમાચારઃ ભુજથી મુંબઈ ડેઈલી ફ્લાઈટ આ તારીખથી શરુ થશે
ભુજથી મુંબઇ વચ્ચે ડાયરેક્ટ રેગ્યુલર ફ્લાઇટ સેવા ન હોવાને કારણે સતત હાલાકી ભોગવતા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. દેશની ટોચની એરલાઇન કંપની એર ઇન્ડિયા દ્વારા 1 માર્ચ 2024થી મુંબઇ અને ભુજ વચ્ચે દરરોજ ફ્લાઇટ સેવા શરૂ કરાશે. જે સીધી જ ભુજથી મુંબઇ અને મુંબઇથી ભુજ પહોંચાડશે.
એક મીડિયા અહેવાલ મુજબ A-320 ફેમિલી સિંગલ એરક્રાફ્ટ દ્વારા સંચાલિત ફ્લાઇટ AI 601 મુંબઇથી સવારે 07:05 કલાકે ઉપડશે અને 8:20 કલાકે ભુજ પહોંચાડશે. ભુજથી વળતી ફ્લાઇટ 08:55 એ ઉપડશે અને 10:10 કલાકે મુંબઇ પહોંચાડશે. આ નવી સેવા દ્વારા મુંબઇથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ લેનારા પ્રવાસીઓને પણ ઘણો ફાયદો થશે.
અંદાજે 1 કલાક 15 મિનિટ જેટલા સમયમાં ફ્લાઇટ્સ ગંતવ્ય સ્થાને પહોંચાડશે. પ્રવાસીઓ યુકે, ઉત્તર અમેરિકા, દુબઇ અને સિંગાપોરના સ્થળો માટે અનુકૂળ આંતરરાષ્ટ્રીય જોડાણ પણ પ્રદાન કરશે. એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર વધુ માહિતી જોઇ શકાશે. મોબાઇલ એપ તથા ટ્રાવેલ એજન્ટો દ્વારા ફ્લાઇટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભુજ અને મુંબઇ વચ્ચે દરરોજની સીધી ફ્લાઇટ્સની માગ કરવામાં આવી રહી હતી. હાલમાં અઠવાડિયામાં 3થી4 દિવસ ફ્લાઇટ્સ હોય છે જે પહેલા પાંચ દિવસ હતી. તે પણ અવારનવાર અમુક કારણોસર કેન્સલ થાય ત્યારે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે હવે દરરોજની ફ્લાઇટ્સ મળતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે. તેમ છતાં, હજુ પણ ભુજ એરપોર્ટથી વધુને વધુ ફ્લાઇટ્સ શરૂ કરાય તેમજ ભુજ એરપોર્ટને પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવાય તેવી માગ અંગે પણ સરકારે વિચારવાની જરૂર છે.