ટ્રેડિંગ કંપનીમાં રોકાણ સામે આકર્ષક વળતરની લાલચે 100 રોકાણકારને ચૂનો ચોપડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવા સામે આકર્ષક વળતરની લાલચે 100 જેટલા રોકાણકાર પાસેથી 1.85 કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ભાયંદર પશ્ચીમમાં રહેતા ભીમસિંહ ભુલની ફરિયાદને આધારે દહિસર પોલીસે શુક્રવારે અમિત ભોસલે, અમોલ ડોકે, લક્ષ્મણ ચૌહાણ અને સુજિત જાધવ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: કરન્સી ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચેપ્રભાદેવીના વેપારી સાથે પાંચ કરોડની ઠગાઈ…
પોલીસ ફરિયાદ અનુસાર એક મિત્રના માધ્યમથી ફરિયાદીની ઓળખાણ આરોપી લક્ષ્મણ ચૌહાણ સાથે થઈ હતી. ચૌહાણે ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવા પર રોજેરોજ વળતર અપાવવાની લાલચ આપી હતી. આ માટે ફરિયાદીને દહિસરની ઑફિસમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં ચૌહાણ સાથે સુજિત જાધવ પણ હતો.
શરૂઆતમાં ફરિયાદીને સારું વળતર મળતાં તેણે સ્કીમ બાબતે સગાંસંબંધી અને મિત્રોને જાણ કરી હતી. એપ્રિલ, 2022 સુધી રોકાણકારોના ખાતામાં સમયસર વળતર જમા થયું હતું, પરંતુ માર્ચ, 2022થી તેમને વળતર આપવાનું બંધ કરી દેવાયું હતું. વળી, આરોપીની કંપની દ્વારા લિંક પૂરી પાડી એક ઍપ ડાઉનલૉડ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઍપ પણ પછીથી બંધ કરી દેવામાં આવી હતી. દહિસરની ઑફિસને તાળું લગાવી દેવામાં આવતાં રોકાણકારોએ આરોપીનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: શૅરબજારમાં આકર્ષક વળતરની લાલચે 43 રોકાણકાર સાથે છ કરોડની ઠગાઈ
વિવિધ કારણો રજૂ કરી આરોપીએ રકમ ચૂકવવા સમય માગ્યો હતો. જોકે જૂન, 2022થી આરોપીના મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતા હતા. તપાસ દરમિયાન 100 જેટલા રોકાણકારોને છેતરવામાં આવ્યા હોવાનું જણાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.