લૂંટના ગુનામાં ફરાર આરોપી 28 વર્ષ બાદ દહિસરથી ઝડપાયો

થાણે: લૂંટના અનેક ગુનામાં સંડોવાયેલા 59 વર્ષના આરોપીની 28 વર્ષ બાદ પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ રમેશ ઇશ્ર્વરલાલ સોલંકી તરીકે થઇ હોઇ તેને સોમવારે દહિસર ચેકનાકા નજીક પેન્કરપાડાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
1996માં મીરા-ભાયંદરમાં જાહેર સ્થળોએ તેમ જ બસસ્ટોપ પર લોકોને લૂંટવાની અનેક ફરિયાદો પોલીસને મળી હતી. કાશીમીરા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુના નોંધવામાં આવ્યા હતા અને પોલીસે એ સમયે બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી રમેશ સોલંકી ફરાર હતો અને પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.
આ પણ વાંચો : મુંબઈ હોર્ડિંગ કેસ: મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યા
તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે માલવણી વિસ્તારનો રહેવાસી સોલંકી સોમવારે દહિસર ચેકનાકા ખાતે આવવાનો છે. આથી પોલીસ ટીમે ત્યાં છટકું ગોઠવ્યું હતું અને સોલંકીને ઝડપી પાડ્યો હતો. આરોપી સોલંકી વિરુદ્ધ મુંબઈ અને ગુજરાતમાં અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. (પીટીઆઇ)