દહિસર આગ: ગુજરાતી મહિલાનું મૃત્યુ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દહિસર આગ: ગુજરાતી મહિલાનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
દહિસર (પૂર્વ)માં શાંતી નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટ પ્લસ ૨૨ માળની બિલ્ડિંગમાં રવિવારે બપોરના ફાટી નીકળેલી ભીષણ આગની દુર્ઘટનામાં વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે. એ સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક બેનો થઈ ગયો છે.
પાલિકાએ આપેલી માહિતી મુજબ રવિવારની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)ની બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૫૪થી વધુ રહેવાસીઓ જખમી થયા હતા. મોટાભાગના લોકોને આગને કારણે નીકળેલા ધુમાડાને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ હતી, તેને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ દરમ્યાન ૮૦ વર્ષની એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય લોકો પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ દરમ્યાન બુધવારે વધુ એક મહિલાનું શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. મૃતકમાં ૪૦ વર્ષની મધુ વિનોદ પટેલનો સમાવેશ થાય છે.

પાલિકાના આંકડા મુજબ રવિવારે કુલ ૫૪ લોકો જખમી થયા હતા, તેમાંથી અત્યાર સુધી બે મહિલાના મૃત્યુ થયા છે. તો હજી પણ ૨૧ લોકો પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તેમાંથી એકની હાલત ગંભીર છે અને ૨૦ની તબિયત સ્થિર છે. જયારે ૩૧ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

દહિસરમાં એસ.વી. રોડ પર શાંતિ નગરમાં ન્યુ જનકલ્યાણ સોસાયટીમાં રવિવારે બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી ઈલેક્ટ્રિક ડક્ટમાંથી ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક કેબલમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે ઝડપભેર ઉપરના માળા પર ધુમાડો ફેલાઈ જતા અનેક રહેવાસીઓ ઉપરના માળા પર ફસાઈ ગયા હતા.

એસઆરએની આ બિલ્ડિંગમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી નહોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું. ફાયરબ્રિગેડ વધુ તપાસ બાદ તેને નોટિસ આપશે એવું ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button