પાલઘરમાં ભારે વરસાદથી દહાણુ-વિરાર લોકલ સેવા પર ભારે અસર

મુંબઇઃ ભારે વરસાદને કારણે લાખો મુંબઇગરાઓની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. મુંબઇની નજીક આવેલા પાલઘરમાં ભારે વરસાદ થયો છે, જેને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. ઘણી જગ્યાએ પાટા પર પાણી ભરાઇ ગયા છે, તેથી ટ્રેન સેવા ધીમી ગતિએ ચાલી રહી છે.
રેલવે વિભાગે જણાવ્યું હતું કે દહાણુ-વિરાર લોકલ સેવા 25થી 30 મિનિટ મોડી ચાલી રહી છે. લોકો રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા જોવા મળે છે.
પાલઘરમાં ભારે વરસાદને કારણે દેહરજે નદી પર બનેલો પુલ પાણીમાં ડૂબી ગયો છે. જેના કારણે પાલઘર-મનોર વાડા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.
હવામાન વિભાગે આજે પાલઘર, રાયગઢ, થાણે, મુંબઈ અને નવી મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજે સવારથી મુંબઇના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઇના વિવિધ વિસ્તારોમાં 6.3 થી 20 મીમી વરસાદ નોંધાયો છે.
મુંબઇમાં આજે અને આવતી કાલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મુંબઇનું તાપમાન 25 અને 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રના આંતરિક ભાગોમાં પણ વરસાદ પડી રહ્યો છે. ચોમાસાને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. આગામી સપ્તાહ સુધી મુંબઈ સહિત રાજ્યના અન્ય ભાગોમાં હવામાન આવું જ રહેવાની ધારણા છે.
Also Read –