આ રેલવે લાઈનના પ્રવાસીઓ માટે આવ્યા વધુ એક બેડ ન્યૂઝ: OHE વાયર તૂટવાને કારણે ટ્રેન સેવા પર અસર

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં દહાણુ-વાણગાંવ સ્ટેશન વચ્ચે ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) વાયર તૂટવાને કારણે દહાણુ લોકલ સહિત અન્ય લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનો પર પણ અસર જોવા મળી રહી છે. હાલમાં રિપેરિંગનું કામ થઈ ગયું છે, પરંતુ હજુ પણ ટ્રેનો અડધો કલાકથી એકાદ કલાક સુધી મોડી દોડી રહી છે. દહાણુ તરફની ડાઉન લાઇનમાં ઓવરહેડ વાયર તૂટવાને કારણે વાણગાંવ અને દહાણુ વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ આજે સાંજ સુધી રદ કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે અધિકારીએ કહ્યું હતું કે ગઈકાલે રાતે દહાણુ રોડ ખાતે 11 વાગ્યે OHE તૂટ્યો હતો, ત્યાર બાદ અપ લાઈન કોરિડોર રાતના 12.14 શરૂ કર્યો હતો, ત્યાર બાદ ડાઉન લાઈનને સવારે 10.25 વાગ્યે શરૂ કરી હતી પણ પછી ટ્રેનોને કલાકના 60 km સ્પીડથી દોડાવાય છે.
ઓવરહેડ વાયર તૂટવાને કારણે વાણગાંવ અને દહાણુ વચ્ચેની લોકલ ટ્રીપ સાંજ સુધી રદ કરવામાં આવી છે. આ લોકેલ કેલ્વેરોડ, પાલઘર, બોઈસર અથવા વાણગાંવથી છોડવામાં આવશે. બોઈસર-દિવા ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે દાદર સુરત આજની ઇન્ટરસિટી (12935) ટ્રેનને પણ રદ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે, આ પહેલાથી નવી લાઈનના કામકાજ માટે મહિનાંથી બ્લોક લેવામાં આવ્યો છે, તેનાથી પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં રોજની હાડમારી વધી છે, ત્યાં આજના આ બનાવને કારણે વિરાર સુરત સેકશનમાં ટ્રાવેલ કરનારા લોકોની હાલાકીમાં વધારો થયો છે. પશ્ચિમ રેલવેએ ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી રેલ્વે લાઇનના નિર્માણ માટે જંબો મેગાબ્લોકને કારણે સોમવારથી શુક્રવાર સુધી દિવસમાં 300થી વધુ ટ્રેન રદ કરી છે.
જેના કારણે છેલ્લા બે દિવસથી પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમ જ રેલવે સ્ટેશનો પર ભીડ વધી છે. તેથી, મુસાફરોની મૂંઝવણને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ બુધવારે રદ કરાયેલી 316 લોકલ ટ્રીપોમાંથી 112 ટ્રેનોને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.