દાદરનું કબૂતરખાનું ખસેડવાનું ફરી વિલંબમાં, કારણ શું છે જાણો?

મુંબઈ: દાદરના કબૂતરખાના અને અન્ય વિસ્તારમાં આવેલા અનધિકૃત કબૂતરખાનાને દૂર કરવાની માગણી પર પાલિકાએ હજી સુધી કોઇ નિર્ણય લીધો નથી અને રહેવાસીઓની બેઠક પણ બોલાવી નથી.
જી-ઉત્તર વિભાગના સહાયક કમિશનરની બદલી થવાને કારણે આ અંગેનો મુદ્દો બાજુ પર પડી ગયો છે. આ દરમિયાન કબૂતરોની વિષ્ટાને કારણે માનવીઓના સ્વાસ્થ્ય પર ખરેખર આડઅસર થાય છે કે એ તપાસવા માટે પાલિકાએ કેઇએમ અને સાયન એમ બે હોસ્પિટલ પાસેથી અહેવાલ મગાવ્યો છે.
મુંબઈમાં કબૂતરોની સંખ્યા વધી રહી હોવાથી શ્ર્વસન સંબંધિત તકલીફો વધી રહી છે. તેથી દાદરના કબૂતરખાનાને બંધ કરવાની માગણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા ઘણા લાંબા સમયથી કરવામાં આવી છે.
આ પણ વાંચો: કબૂતરોને ચણ નાંખતા હો ભરવો પડશે દંડ, જાણી લેજો પાલિકાનો નિયમ!
થોડા વર્ષ અગાઉ પણ મનસે દ્વારા દાદરના કબૂતરખાનાને દૂર કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ ત્યારે તે કબૂતરખાનું બહુ જૂનું હોવાનું કહીને તેમની માગણી ફગાવી દીધી હતી, પરંતુ હવે ફરી આ માગણી જોર પકડવા લાગી છે.
આ માટે સ્થાનિક રહેવાસીઓ સાથે બેઠક પણ યોજાવાની હતી, પરંતુ એવામાં ૧૫ દિવસ પહેલા જ પાલિકામાં મોટા પ્રમાણમાં અધિકારીઓની બદલી કરવામાં આવી. જી-ઉત્તર વિભાગના સહાયક કમિશનરની બદલી કરવામાં આવી તેથી આ મુદ્દો હવે બાજુ પર પડી ગયો છે.
શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે કબૂતરખાના ખૂલી ગયા છે. દરિયા કિનારે પણ લોકો કબૂતરોને ચણ નાખે છે તેથી કબૂતરોની સંખ્યા વધી રહી છે. ત્યાર બાદ આ કબૂતરો પાસેની જ ઇમારતો-મકાનોમાં પોતાના માળા બાંધતા હોય છે અને તેમની વિષ્ટાને કારણે રહેવાસીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય છે, એમ મનસેનું કહેવું છે.