દાદર કબૂતરખાનાનો મુદ્દો બન્યો સાંપ્રદાયિક મરાઠી વિરુદ્ધ જૈનોનું સ્વરૂપ આપવામાં આવ્યું
આગામી દિવસોમાં વિવાદ વધુ વકરે એવી શક્યતા: હાઈ કોર્ટે જૈનોને કોઈ રાહત ન આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કબૂતરોને ચણ નાખવા પર લાદવામાં આવેલા પ્રતિબંધ અને દાદર સહિતના અનેક કબૂતરખાના બંધ કરી નાખવાની કરવામાં આવેલી કાર્યવાહી બાદ જૈનોએ સંઘર્ષ કરતાં રાજ્ય સરકાર આ મુદ્દે હલ શોધવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ બરાબર આ મુદ્દાને હવે સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.
અત્યાર સુધી પાલિકા-રાજ્ય સરકાર વિરુદ્ધ જૈનોના વિવાદમાં મરાઠી એકીકરણ સમિતિએ ઝંપલાવીને મરાઠી અસ્મિતાનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ આખા વિવાદને હવે મરાઠી વિરુદ્ધ જૈનોનું સ્વરૂપ આપવામાં આવ્યું હોવાથી આ વિવાદ વધુ વકરે એવી શક્યતા જોવાઈ રહી છે. આ પહેલાં પણ કેટલાક મરાઠીવાદ કરનારા રાજકીય સંગઠનો દ્વારા જૈનોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા અને પર્યુષણ પર્વમાં દેરાસરની બહાર માંસાહાર કરીને જૈનોની લાગણીઓ દુભવવાનો પ્રયાસ કર્યો હતો, આ બધાનું પુનરાવર્તન થવાની શક્યતા જોવાઈ રહી છે.
આ પણ વાંચો: દાદર કબૂતરખાનામાં ફરી ભારે ધમાલ…
મરાઠી એકતા સમર્થક સંગઠન મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરોનું એક જૂથ બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ કબૂતરખાના ખાતે એકઠું થયું હતું, જ્યાં કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પહેલેથી જ ભારે સુરક્ષા ગોઠવવામાં આવી હતી. સંગઠનના સભ્યો પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે સમિતિના અધ્યક્ષ સહિત ઘણાની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.
બીજી તરફ મુંબઈમાં કબૂતરખાનાઓ અંગે આજે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે જાહેર કર્યું હતું કે કબૂતરખાનાઓ પરનો પ્રતિબંધ અમલમાં રહેશે. બીએમસીએ બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે શરતોને આધીન દાદર કબુતરખાનામાં દરરોજ સવારે બે કલાક કબૂતરોને નિયંત્રિત ખોરાક આપવાની મંજૂરી આપવાનો ઇરાદો ધરાવે છે.
આ પણ વાંચો: કબૂતરખાનાઓને સુપ્રીમ કોર્ટમાં રક્ષણ નહીં: સરકાર હવે શું કરશે? ફડણવીસે કબૂતરોના રક્ષણની યોજના જાહેર કરી
જોકે, ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણી અને આરિફ ડોક્ટરની બેન્ચે જણાવ્યું હતું કે આવી કોઈપણ પરવાનગી આપતા પહેલા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ પહેલા વાંધા-વિરોધ મંગાવતી જાહેર નોટિસ જારી કરવી પડશે અને પછી દાદરના લોકપ્રિય સ્થળે પક્ષીઓને નિયંત્રિત ખોરાક આપવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવો પડશે.