કબૂતરો ખવડાવવા પર પ્રતિબંધ: જૈનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં દાદર કબૂતરખાના વિવાદનું કેન્દ્ર બન્યું | મુંબઈ સમાચાર

કબૂતરો ખવડાવવા પર પ્રતિબંધ: જૈનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં દાદર કબૂતરખાના વિવાદનું કેન્દ્ર બન્યું

મુંબઈમાં ‘કબુતરખાના’ પરથી જૈનોએ તાડપત્રી કાઢી, પ્રધાને કૃત્યની નિંદા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા બાદ દાદરના ઐતિહાસિક કબૂતરખાના પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલી તાડપત્રી સ્થાનિક કબૂતર પ્રેમી સમાજના લોકો દ્વારા બુધવારે બળજબરી હટાવી દેવામાં આવી હતી. રોષે ભરાયેલા આ લોકો જેમાં મોટા ભાગના જૈન સમાજના હતા તેમને રોકવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ બધા વચ્ચે બુધવારે કબૂતરોને ચણ નાખવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હોવાથી કબૂતરોની આંતરડી ઠરી હતી.

છેલ્લા બે મહિનાથી, જૈન સમુદાયના સભ્યો આ કબૂતરોને ચણ આપવા માટે બીએમસી સાથે ઘર્ષણમાં છે, અને દલીલ કરી રહ્યા છે કે આ પ્રથા ‘જીવ દયા’માં મૂળ ધરાવે છે, જે તમામ જીવો પ્રત્યે કરુણાની જૈન ફિલસૂફી છે.

હકીકતમાં ‘જીવદયા દેવી’ એ જૈનોની દેવી છે જે અહિંસાનું પ્રતિનિધિત્વ કરે છે અને જીવનના તમામ સ્વરૂપોની સંભાળ રાખે છે, જે જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત પણ છે, પરંતુ તાજેતરના કોર્ટના આદેશોને સમર્થન આપતા, બીએમસી આગ્રહ રાખે છે કે વધતા જતા જાહેર આરોગ્ય જોખમને રોકવા માટે કબૂતરખાના બંધ કરવા જરૂરી છે.

આપણ વાંચો: જૈન સમાજનો વિજય: ફડણવીસે ‘કબુતરખાના’ને ‘અચાનક’ બંધ કરવા અંગે નારાજી દાખવી: કબૂતરોને નિયંત્રિત ખોરાક આપવાનો નિર્દેશ

13 જુલાઈથી ત્રણ ઓગસ્ટ દરમિયાન બીએમસીએ કબૂતરોને ખવડાવતા પકડાયેલા 142 વ્યક્તિઓને 500-500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જે કુલ 68,700 રૂપિયા થાય છે. આ દંડમાંથી 61 લોકોને દંડ એકલા દાદરમાં જ થયા હતા. નજીકના અનાજ વિક્રેતાઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

31 જુલાઈના રોજ, બોમ્બે હાઈ કોર્ટે તમામ કબૂતરખાના બંધ કરવાનો આદેશ આપ્યો, જેમાં દાદર ખાતેનો એક પણ સમાવેશ થાય છે, જ્યાં આજના વિરોધનું સ્થળ હતું.

કોર્ટે હેરિટેજ એન્ક્લોઝર તોડી પાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ભારતીય ન્યાય સંહિતાના જાહેર ઉપદ્રવ કાયદા હેઠળ બંધનો ભંગ કરનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આપણ વાંચો: જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં

બીજી ઓગસ્ટે બીએમસીએ વાંસની ફ્રેમ અને તાડપત્રી શીટનો ઉપયોગ કરીને બધા 51 (એકાવન) કબૂતરખાના સીલ કરી દીધા હતા. દાદરમાં, વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને દેખરેખ વધારી દેવામાં આવી હતી.

અમલથી જૈન સમુદાયમાં ભાવનાત્મક પ્રતિક્રિયા આવી હતી. આ અઠવાડિયે, કોલાબાથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધી ‘શાંતિદૂત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુઓ, સમુદાયના નેતાઓ અને સ્વયંસેવકોએ માગણી કરી હતી કે દૈનિક ખોરાક આપવાની પ્રથાઓ ફરીથી શરૂ કરવામાં આવે.

આપણ વાંચો: વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું

નરેશચંદ્રજી મહારાજે કબૂતરોને ખોરાક આપવાનું ફરી શરૂ કરવાની માગણી માટે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. ‘છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં સેંકડો કબૂતરો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે કારણ કે રાજ્યના અધિકારીઓએ પશુ પ્રેમીઓને પક્ષીઓને ખોરાક આપતા બળજબરી બંધ કર્યા છે,’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.

પાલકપ્રધાને ઘર્ષણની નિંદા કરી, પોલીસ કાર્યવાહી થશે

મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જ્યારે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે તેમણે આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.

તેમણે લોકોને શાંતિ જાળવવાની પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે વિસ્તારમાં આવેલા જૈન મંદિરના ટ્રસ્ટના મેનેજમેન્ટે એવો દાવો કર્યો હતો કે કબૂતરપ્રેમીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનમાં તેમની કોઈ ભૂમિકા નહોતી.

બીજી તરફ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે કબૂતરોને ‘નિયંત્રિત ખોરાક’ આપવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે લોકોને આનાથી અસુવિધા ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે.

આપણ વાંચો: વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, પ્રધાનો ગણેશ નાઈક, ગિરીશ મહાજન અને મંગલ પ્રભાત લોઢા સાથે એક બેઠક યોજાઈ હતી.

પોલીસે આંદોલનકારીઓને વિખેર્યા પછી પાલક પ્રધાને સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કબૂતરખાનાની સામે સ્થિત જૈન મંદિરના મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી હતી.

સવારે કબૂતરખાના પાસે જે કંઈ બન્યું તે ‘ખોટું’ અને ‘નિંદનીય’ હતું, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.
વિરોધીઓ સામે કાર્યવાહી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ‘પોલીસ આ અંગે યોગ્ય નિર્ણય લેશે.’

લોઢાએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે જૈન મંદિર ટ્રસ્ટના મેનેજમેન્ટ સાથે વાત કરી ત્યારે તેમણે વિરોધ પ્રદર્શનમાં સહભાગી થયા હોવાનો ઇનકાર કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે કેટલાક બહારના લોકો તેમાં ભૂમિકા ભજવી રહ્યા છે

લોકોની ભાવના અને આરોગ્ય બંનેને જાળવીને નિર્ણય લેવાશે: ફડણવીસ

બુધવારે, કબૂતર પ્રેમીઓ દાદર વિસ્તારમાં કબૂતરખાના પાસે ભેગા થયા હતા અને તેમણે તાડપત્રીનો વિરોધ કર્યો હતો અને તાડપત્રી ફાડી નાખી હતી અને કબૂતરખાનામાં પ્રવેશ કર્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બધા પર જણાવ્યું હતું કે એક તરફ, શ્રદ્ધા અને જાહેર ભાવના છે. બીજી તરફ, લોકોના સ્વાસ્થ્યનો પણ પ્રશ્ર્ન છે. તેથી, આ બંનેને જોડીને મધ્યમ રસ્તો કાઢવામાં આવશે.

‘મને લાગે છે કે એક તરફ આસ્થા છે, જનભાવના છે. બીજી તરફ લોકોનું સ્વાસ્થ્ય પણ છે. આપણે આ બંને વચ્ચે સમતૂલા જાળવવી પડશે. તો જાહેર ભાવના અને ધાર્મિક ભાવનાને સાચવવાના સંદર્ભમાં આપણે શું કરી શકીએ? અમે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી ક્યાંય પણ સ્વાસ્થ્ય માટે જોખમ ન રહે. અમે આમાંથી બહાર નીકળવાના કેટલાક રસ્તા સૂચવ્યા છે. અમે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરીશું. જેથી આટલા વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટે નહીં અને સ્વાસ્થ્યનો કોઈ પ્રશ્ન ન રહે, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું.

વિધાનપરિષદમાં થઈ હતી એકાવન કબૂતરખાના બંધ કરવાની જાહેરાત

કબૂતરખાના અંગેના પ્રકરણમાં નિયોજિત વળાંક ત્રીજી જુલાઈએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પાર્ટીના પ્રધાન ઉદય સામંતે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં સત્ર દરમિયાન એવી જાહેરાત કરી હતી કે વધતી જતી આરોગ્યની ચિંતાઓને કારણે મુંબઈમાં 51 (એકાવન) કબૂતરખાના બંધ કરવામાં આવશે.

પાલિકા અધિકારીઓએ બીએમસી હોસ્પિટલ અને મ્યુનિસિપલ આરોગ્ય વિભાગોના અભ્યાસોનો ઉલ્લેખ કર્યો, જેમાં કબૂતરના મળ અને પીંછાને શ્ર્વસન રોગો સાથે જોડવામાં આવ્યા હતા.

કબૂતરના ફેફસા, જેને બર્ડ ફેન્સિયર્સ લંગ અથવા કબૂતર બ્રીડર્સના લંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનો અતિસંવેદનશીલ ન્યુમોનાઇટિસ રોગ છે જે કબૂતરના મળ અને પીંછામાંથી એન્ટિજેન્સના સંપર્કમાં આવવાથી થાય છે.

પેટાએ કબૂતરોને ચણ નાખવાનું સમર્થન કર્યું

પ્રાણી અધિકાર જૂથ પેટાએ કહ્યું હતું કે અચાનક આવી રીતે કબૂતરખાના પર પ્રતિબંધો યોગ્ય ઉકેલ નથી, પરંતુ ખોરાક નિયુક્ત, સ્વચ્છ પક્ષીઘરોમાં આપવો જોઈએ.

પેટાએ દાદર કબૂતરખાના પાસે બિલબોર્ડ લગાવ્યા છે જેમાં માતા કબૂતર તેના બચ્ચાઓ સાથે માળો બનાવે છે એમ જણાવતાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કબૂતર માતાઓ અને તેમના બચ્ચાં મુંબઈગરાને યાદ અપાવે છે કે આ કબૂતરો પણ માનવીઓ જેટલા જ મુંબઈ શહેરનો હિસ્સો છે.

કબૂતરખાના મુંબઈના શહેર માટે નવા નથી. 1920 અને 1940ના દાયકાની વચ્ચે જૈન અને ગુજરાતી દાનવીરોએ મોટાભાગે બાંધ્યા હતા, પરંતુ તેમને પરોપકારના માળખા તરીકે જોવામાં આવે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button