દાદરના હોકર્સ પ્લાઝાનો રસ્તો બંધ
…તો અમે ફરી પાછા રસ્તા પર જ ધંધો શરૂ કરીશું વેપારીઓએ ઉપવાસ પર ઊતરવાની ચીમકી આપી
મુંબઈ: દાદના હોકર્સ પ્લાઝામાં આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા બાદ હોકર્સ પ્લાઝાના વેપારીઓમાં પાલિકા પ્રશાસન વિરુદ્ધ ઉપવાસની ચેતાવણી આપવામાં આવી છે. દાદર સેનાપતિ બાપટ માર્ગ પર બનેલા આ હોકર્સ પ્લાઝામાં આવવા-જવા માટેનો બીજો માર્ગ જે. કે. સાવંત માર્ગ તરફથી છે, જે શિવાજી મંદિરની તરફ નીકળે છે. એક ડેવલપર દ્વારા આ રસ્તાને બંધ કરી દીધા બાદ ગ્રાહકો અને વેપારીઓને હોકર્સ પ્લાઝા સુધી પહોંચવા માટે અંદાજે 1 કિમીનું અંતર કાપવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીએ ખોલ્યો હતો પ્લાઝા, પાંચ માળની આ બિલ્ડિંગમાં સમિતિનું કાર્યાલય પણ છે.
શિવાજી મંદિર તરફનો રસ્તો બંધ કરી દીધા બાદ હોકર્સ પ્લાઝામાં આવનારા ગ્રાહકોની સંખ્યા જોતજોતામાં ઓછી થવા લાગી હતી. વેપારીઓના જણાવ્યા અનુસાર હવે અહીં વેપારને મોટો ફટકો પડ્યો છે.
સામાન્ય રસ્તો બંધ કરી દેવાને કારણે વેપારીઓનો ધંધો ઠપ થઇ ગયો છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે હવે અમે હોકર્સ પ્લાઝાની અમારી દુકાનો બંધ કરીને ફરી પાછા ફૂટપાથ પર બેસીશું. પાલિકા અમને રસ્તા પરથી આ માર્કેટમાં લઇને આવી. અમારો વેપાર પણ સારો ચાલતો હતો. અચાનક જ ડેવલપરે રસ્તો બંધ કરી દીધો હતો અને પાલિકા પ્રશાસને આંખે પાટા મારી દીધા. શિવસેના-ભાજપની યુતિએ પોતાની સરકાર હતી એ દરમિયાન દાદર હોકર્સ પ્લાઝાને બનાવવામાં આવ્યું હતું. અહીં શાકભાજી, ફૂલ માર્કેટ અને મચ્છી માર્કેટ પણ છે. આ તમામ માર્કેટોને સ્થળાંતરિત કર્યા બાદ 1997માં હોકર્સ પ્લાઝાને બનાવવામાં આવ્યું હતું. દાદરને ફેરિયાઓથી મુક્ત કરવા માટે તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોશીની આ મહત્ત્વાકાંક્ષી યોજના હોકર્સ પ્લાઝા 2001માં બનીને તૈયાર થયું હતું. અંદાજે રૂ. 33 કરોડના ખર્ચથી બનેલા આ હોકર્સ પ્લાઝામાં 800 વેપારીઓ છે. પાંચ માળની આ બિલ્ડિંગમાં પાલિકા માર્કેટ કમિટીની ઓફિસ પણ છે. હોકર્સ પ્લાઝામાં વેપારીઓના સંગઠન હોકર્સ પ્લાઝા ક્લોથ સેવા સંસ્થા, ન્યુ જનતા માર્કેટ ટે્રડર્સ યુનિયન અને જનતા ક્લોથ માર્કેટ એસોસિયેશનના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે રસ્તો બંધ કરીને જો હોકર્સ પ્લાઝાને બંધ કરવાનો ઈરાદો હોય તો તેનો વિરોધ કરીશું.