મુંબઈ: મેગા સિટી મુંબઈમાં વિવિધ પ્રકારના ગુનાઓ રોજબરોજ થતા હોય છે અને એમાં વધઘટ પણ થતી રહે છે. જોકે, સાયબર ક્રાઈમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આ માહિતી સંસ્થા ‘પ્રજા ફાઉન્ડેશન’ વતી જાહેર કરવામાં આવેલા આંકડા પરથી સામે આવી છે. ‘પ્રજા ફાઉન્ડેશન’ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, 2018 અને 2022 વચ્ચે સાયબર ગુનાઓમાં 243 ટકાનો વધારો થયો છે. જો કે, આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાયબર ગુનેગારોને પકડવાનો દર માત્ર 8 ટકા છે.
સાયબર ક્રાઈમમાં વધારો ચિંતાજનક છે. 2018માં 1375 સાયબર ગુના નોંધાયા છે. જ્યારે 2022માં સાયબર ક્રાઈમ વધીને 4723 થઈ ગયા. તેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડની છેતરપિંડીના ગુનાઓ સૌથી વધુ છે. 2018માં 461 જ્યારે 2022માં આ જ ગુનાઓ 3490 પર પહોંચી ગયા છે. 2022 સાયબર ક્રાઇમ ડિટેક્શન રેટ માત્ર 8 ટકા છે.
આ ઉપરાંત મહિલાઓ સામેની હિંસામાં પણ વધારો થઈ રહ્યો છે. દસ વર્ષમાં (2013 થી 2022), બળાત્કાર અને છેડતીના નોંધાયેલા ગુનાઓમાં અનુક્રમે 130 ટકા અને 105 ટકાનો વધારો થયો છે. 2013માં બળાત્કારના 391 અને 2022માં 901 કેસ નોંધાયા હતા. 2013માં છેડતીના 1137 ગુના નોંધાયા હતા, 2022માં આ સંખ્યા વધીને 2329 થઈ ગઈ છે. 2022માં નોંધાયેલા બળાત્કારના 63 ટકા કેસ સગીર છોકરીઓ પર હતા. POCSO હેઠળ નોંધાયેલા 73 ટકા ગુનાઓની તપાસ બાકી છે.
દરમિયાન 2018 માં, મુંબઈ પોલીસ દળમાં ખાલી જગ્યાઓનો દર 22 ટકા હતો. 2022 સુધીમાં આ વધીને 30 ટકા થઈ ગયું છે. ગુના તપાસ અધિકારીઓની કુલ મંજૂર જગ્યાઓમાંથી, જુલાઈ 2023 સુધીમાં 22 ટકા જગ્યાઓ ખાલી છે. 2022 ના અંત સુધીમાં, કુલ 44 ટકા કેસના ફોરેન્સિક પરીક્ષણ બાકી છે. માર્ચ 2023 સુધીના ડેટા અનુસાર ફોરેન્સિક વિભાગમાં 39 ટકા સ્ટાફની અછત છે.
મુંબઇની વસતી કૂદકેને ભૂસકે વધી રહી છે અને તેની આસપાસના જિલ્લાઓની વસતીમાં પણ હવે વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ દળમાં જ આટલા બધા પદો ખાલી હોય તે બાબત ચિંતાજનક તો ખરી જ અને એવો સવાલ પણ થાય કે મુંબઇગરાઓની સુરક્ષા રામ ભરોસે છે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે