સાયબર સેલના અધિકારીના સ્વાંગમાં બૅંકની નિવૃત્ત મહિલા કર્મચારી સાથે લાખોની ઠગાઈ

થાણે: મુંબઈ સાયબર સેલ તેમ જ ટેલિકોમ વિભાગના અધિકારીના સ્વાંગમાં નવી મુંબઈની 69 વર્ષની વૃદ્ધા સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
બૅંકની નિવૃત્ત મહિલા કર્મચારી એવી ફરિયાદીને 15 અને 16 જુલાઇના રોજ અજાણ્યા નંબર પરથી બે કૉલ આવ્યા હતા. કૉલ કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે ફરિયાદી વિરુદ્ધ મની લોન્ડરિંગ તથા શરીરના અવયવોની દાણચોરી કરવાનો આરોપ છે.
કૉલરે પોતાની ઓળખ મુંબઈ સાયબર સેલ અને ટેલિફોમ વિભાગના અધિકારી તરીકે આપી હતી. આરોપીઓએ ડર બતાવીને ફરિયાદીને વિશ્ર્વાસમાં લીધી હતી અને ચકાસણીના હેતુ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકવાને બહાને તેને બૅંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાનું કહ્યું હતું.
આ પણ વાંચો: ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ
આરોપીઓના કહેવાથી ફરિયાદીએ 10 લાખ રૂપિયા બૅંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ફરિયાદીએ સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું હતું કે તેની વિરુદ્ધ આવી કોઇ ફરિયાદ કે તપાસ ચાલી નથી રહી.
ફરિયાદીએ ત્યાર બાદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને તેની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપીઓ અને તેમના ઠેકાણાં શોધી રહી છે. બીજી તરફ ગુનો આચરવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબર તથા બૅંક ખાતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)