સાયબર ફ્રોડ કરનારી ટોળકીનો સભ્ય રાજસ્થાનમાં પકડાયો
મુંબઈ: બૅન્ક ખાતામાં ભૂલથી વધુ રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવી નાણાં પડાવનારી સાયબર ઠગ ટોળકીના સભ્યને પોલીસે રાજસ્થાનમાં પકડી પાડ્યો હતો.
ડી. બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દિલશાદ ઝુબેર ખાન (22) તરીકે થઈ હતી. કોર્ટે 16 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : …તો મુંબઈથી પુણે જવાનું વધુ ઝડપી બનશે, મધ્ય રેલવેના બે કોરિડોરનો પ્રસ્તાવ
પોલીસના જણાવ્યા મુજબ ગ્રાન્ટ રોડ ખાતે રહેતી એક મહિલાની ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીને 10 ફેબ્રુઆરીએ આરોપીએ કૉલ કરી તેના પિતાનો મિત્ર બોલી રહ્યો હોવાનું કહ્યું હતું. પિતાના બૅન્ક ખાતામાં ભૂલથી વધુ રકમ ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું આરોપીએ કહ્યું હતું. રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખોટો મેસેજ પણ આરોપીએ ફરિયાદીને મોકલાવ્યો હતો. આરોપીની વાતમાં આવી ફરિયાદીએ આરોપીના જણાવેલા બૅન્ક ખાતામાં ગૂગલ પેથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી રાજસ્થાનમાં હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાનના જુરેહરા પરિસરમાં છટકું ગોઠવી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. ભરતપુર કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને મુંબઈ લાવવામાં આવ્યો હતો