મહિલા ડૉક્ટરને આઠ દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખી સાયબર ગુનેગારોએ ત્રણ કરોડ પડાવ્યા

મુંબઈ: મની લોન્ડરિંગમાં તમારું નામ સંડોવાયું હોવાનું જણાવીને 70 વર્ષની મહિલા ડૉક્ટરને આઠ દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખી સાયબર ગુનેગારોએ ત્રણ કરોડ રૂપિયા પડાવી લીધા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ડૉક્ટરને મે મહિનામાં એક વ્યક્તિનો કૉલ આવ્યો હતો, જેણે પોતાની ઓળખ ટેલિકોમ વિભાગના કર્મચારી અમિત કુમાર તરીકે આપી હતી. તેણે ડોક્ટરને કહ્યું હતું કે તમારી અંગત વિગતો સાથે લેવામાં આવેલું તમારું સિમકાર્ડ ગુનાખોરી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવ્યું છે.
બાદમાં ડૉક્ટરને અન્ય વ્યક્તિએ કૉલ કરીને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર સમાધાન પવાર તરીકે આપી હતી. પવારે ડૉક્ટરને જણાવ્યું હતું કે મની લોન્ડરિંગના કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા એરલાઇન કંપનીના માલિકના ઘરે રેઇડ પાડતાં તમારા બૅંક અકાઉન્ટ અને ડેબિટ કાર્ડની વિગતો તેની પાસેથી મળી આવી હતી, જે હાલ તબીબી જામીન પર છે.
આરોપીએ બાદમાં ડૉક્ટરને અનેક દસ્તાવેજો મોકલ્યા હતા અને દાવો કર્યો હતો કે તે સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને આરબીઆઇ તરફથી છે.
દરમિયાન પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિએ ડૉક્ટરના પતિ સાથે વીડિયો કૉલ પર વાત કરી હતી, જેને કારણે ડૉક્ટરને આ કેસ અંગે ખાતરી થઇ હતી. બાદમાં ડૉક્ટરને વીડિયો સર્વેલન્સ પર રખાઇ હતી, જેને ઠગો ડિજિટલ અરેસ્ટ તરીકે ઓળખાવે છે. આઠ દિવસ સુધી તેને આ રીતે રખાઇ હતી. આ સમય દરમિયાન દરેક કલાકે તેને રિપોર્ટ કરવાનું કહેવાયું હતું.
આપણ વાંચો છત્રપતિ સંભાજીનગરના આશ્રમમાં માથામાં પથ્થર ઝીંકી સાધ્વીની હત્યા
ભયભીત થયેલી ડૉક્ટરે બાદમાં તેને આપવામાં આવેલાં વિવિધ બૅંક ખાતાંમાં ત્રણ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ડૉક્ટરે 5 જૂને વેસ્ટ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.
તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ 82 લાખ રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દીધા હતા. પોલીસ આ પ્રકરણે તપાસ કરી રહી હોઇ આરોપીઓને પકડી પાડવા અને રૂપિયા પાછા મેળવવા પ્રયાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)