બૅન્ગકોકથી લવાયેલો 8 કરોડનો ગાંજો જપ્ત:સુરતની મહિલા સહિત ત્રણની ધરપકડ...

બૅન્ગકોકથી લવાયેલો 8 કરોડનો ગાંજો જપ્ત:સુરતની મહિલા સહિત ત્રણની ધરપકડ…

મુંબઈ: કસ્ટમ્સ વિભાગે બૅન્ગકોકથી ઉચ્ચ ગુણવત્તાવાળા ગાંજાની તસ્કરીમાં સામેલ સુરતની મહિલા સહિત ત્રણ જણની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બૅન્ગકોકની ફ્રી ટ્રિપ અને કમિશનની લાલચમાં ગાંજાની તસ્કરી કરવા તૈયાર થઈ ગયેલી ત્રણેય મહિલા પાસેથી આઠ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું.
ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારની રાતે બે અલગ અલગ કેસમાં ત્રણેય મહિલાની ધરપકડ કરાઈ હતી.

પહેલા કેસમાં દિલ્હીની પ્રિયંકા કુમાર (44) અને મધ્ય પ્રદેશના ભોપાલમાં રહેતી ઇશિકા કાતકરી (19)ને પકડી પાડવામાં આવી હતી. બૅન્ગકોકથી આવેલી બન્ને મહિલા પાસેથી અંદાજે 6.7 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. બૅન્ગકોકની ફ્રી ટ્રિપની લાલચમાં ગાંજો ભારત લાવવા બન્ને જણ તૈયાર થઈ ગઈ હોવાની કબૂલાત તેમણે કરી હતી.

બીજા કેસમાં બૅન્ગકોકથી આવેલી અસ્માબાનુ રઝાબને કસ્ટમ્સના અધિકારીઓએ તાબામાં લીધી હતી. ગુજરાતના સુરત શહેરમાં રહેતી અસ્માબાનુ પાસેથી 1.8 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી અસ્માબાનુ અગાઉ બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી, પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે હાલમાં તે ક્યાંય કામ કરતી નથી. તેના પતિ રિક્ષા ચલાવે છે અને તેમાંથી થતી આવક પર પરિવારનું ગુજરાન ચાલે છે.

મહિલાની પૂછપરછમાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે ડ્રગ્સ તસ્કર બુરાનની સૂચનાથી તે 28 મેના રોજ ફ્લાઈટમાં બૅન્ગકોક ગઈ હતી. ગાંજાનાં બે પૅકેટ સુરત લાવીને એક વ્યક્તિને આપવાનાં રહેશે, એવી સૂચના આપી બુરાને અસ્માબાનુને એ વ્યક્તિનો મોબાઈલ નંબર પણ આવ્યો હતો. ફોન કર્યા પછી સુરત આવીને એ વ્યક્તિ ગાંજાનાં પૅકેટ લઈ જશે, એવું પણ તેણે કહ્યું હતું. આ કામ માટે અસ્માબાનુને 15 હજાર રૂપિયા અને મુસાફરીનો પૂરો ખર્ચ ચૂકવવાની ખાતરી અપાઈ હતી. પહેલી વાર જ તેણે આવું કામ કર્યું હોવાનો દાવો અસ્માબાનુએ કર્યો હતો.

Back to top button