
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટથી પર ત્રણ કરોડ રૂપિયાના ગાંજા સાથે કેરળના પચીસ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ મોહંમદ અબ્દુલ્લા કોલમ્મા મહંમદ શરીફ તરીકે થઇ હોઇ તે અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને પાર્ટટાઇમ રિયલ એસ્ટેટ બ્રોકર પણ છે.
મોહંમદ અબ્દુલ્લા શનિવારે ફ્લાઇટમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો, જ્યાં અરાઇવલ હોલ ખાતે એઆઇયુના અધિકારીઓએ શંકાને આધારે તેને આંતર્યો હતો. તેની ટ્રોલી બેગની તલાશી લેવામાં આવતાં તેમાં મેગીના પેકેટ્સ, શૂઝ, ચોકલેટ પેકેટ્સ અને કપડાં હતાં. ફૂડ પેકેટ્સ અને અન્ય ચીજોની નીચે છ પારદર્શક એરટાઇટ પ્લાસ્ટિક પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં 3.04 કરોડનો ગાંજો છુપાવાયો હતો.
અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તેને ડ્રગ્સ વિશે જાણકારી મળતાં બેંગલુરુમાં જબ્બીર મીન્નુ નામના પેડલરને ડ્રગ્સ વેચવા માટે બેંગકોકથી ડ્રગ્સ લાવવાનું તેણે નક્કી કર્યું હતું. આ મુજબ તે બેંગલુરુ એરપોર્ટ પરથી 27 માર્ચે બેંગકોક ગયો હતો. મુંબઈમાં ડ્રગ્સ લાવીને તે જબ્બીરને 1.50 લાખ રૂપિયામાં વેચવાનો હતો.
આપણ વાંચો : ભાંડુપમાંથી 50 કરોડનું મેફેડ્રોન જપ્ત: મહાડની લૅબોરેટેરીમાં બનતું હતું ડ્રગ્સ
ડ્રગ્સ ખરીદી કરવા માટે તેણે 1.20 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. બેંગકોક ગયા બાદ ત્યાંથી તેણે ડ્રગ્સ ખરીદ્યું હતું. નફો મેળવવા માટે ડ્રગ્સ ખરીદ્યું હોવાનું પૂછપરછમાં અબ્દુલ્લાએ પૂછપરછમાં જણાવ્યું હતું.