કફ પરેડની ચાલીમાં લાગેલી આગમાં કિશોરનુંં મોત અને ત્રણ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કફ પરેડમાં મચ્છીમાર નગરમાં આવેલી એક ચાલમાં સોમવારે વહેલી સવારે લાગેલી આગમાં ૧૫ વર્ષના સગીરનું મૃત્યુ થયું હતું, તો અન્ય ત્રણ જખમી થયા હતા.
કફ પરેડમાં શિવશક્તિ નગરમાં કેપ્ટન પ્રકાશ પેઠે માર્ગ પર મચ્છીમાર નગર ત્રણમાં સોમવારે સવારના ૪.૧૫ વાગે આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં આવી ગયેલા ચારેયને સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર અગાઉ જ ૧૫ વર્ષના યશ વિઠ્ઠલ ખોટને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ભચાઉના કંથકોટ પાસે સીમ વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં સેંકડો પક્ષીઓના મોત
અન્ય જખમીમાં ૩૦ વર્ષનો દેવેન્દ્ર ચૌધરી, ૧૩ વર્ષનો વિરાજ ખોટ અને ૨૫ વર્ષના સંગ્રામ કુર્નેનો સમાવેશ થાય છે. જખમીઓ પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં દેવેન્દ્ર ચૌધરી પર આઈસીયુમાં હોઈ તેની હાલત ગંભીર છે. તો અન્ય બેની હાલત સ્થિર છે.
ચાલીના પહેલા માળા પર ૧૦ બાય ૧૦ ફૂટની જગ્યામાં લાગેલી આગમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈન્સ્ટોલેશન, ત્રણ ઈલેક્ટ્રિક વેહિકલ બેટરી સહિત ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું.
આગ લાગ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડે ૨૦ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.