ફ્લૅટ ખરીદનારાઓ સાથે 3.82 કરોડની છેતરપિંડી: બિલ્ડર વિરુદ્ધ ગુનો
થાણે: થાણેમાં ફ્લૅટ ખરીદનારાઓ સાથે 3.82 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે થાણેમાં રહેતા નારાયણ દીઘેની ફરિયાદને આધારે બિલ્ડર અનિલકુમાર સિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે સિંહની ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા થાણેના પાંચ પાખાડી પરિસરમાં ઈમારતનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ ઈમારતમાં ફરિયાદીએ ફ્લૅટ બુક કરાવ્યો હતો, જેના માટે 30.33 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. બાંધકામ પછી ડિસેમ્બર, 2012માં ફ્લૅટનો તાબો આપવાની ખાતરી બિલ્ડરે આપી હતી.
નક્કી કરેલી સમયમર્યાદા પછી પણ બિલ્ડર દ્વારા ફ્લૅટનો તાબો ન મળતાં ફરિયાદીએ તપાસ કરી હતી. તપાસમાં જણાયું હતું કે ફરિયાદને આપવાનો ફ્લૅટ બીજી વ્યક્તિને વેચી દેવામાં આવ્યો હતો. આ રીતે છ ફ્લૅટ બબ્બે વ્યક્તિને વેચી 3.82 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે.