લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું

મુંબઈઃ ચૂંટણી નજીક છે ત્યારે તંત્રએ જાણે સમગ્ર રાજ્યને પોલીસ છાવણીમાં તબદીલ કરી દીધું હોય એ પ્રમાણે ગેરકાયદે દારૂ, ડ્ર્ગ્સ અને રોકડની જપ્તી કરવામાં આવી રહી છે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા શનિવારના રોજ સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.
એક પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર (સીઈઓ) એસ ચોકલિંગમે જણાવ્યું હતું કે, પહેલી માર્ચથી અધિકારીઓએ મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ દરોડા પાડીને 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે, 13,141 લોકો વિરુદ્દ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધુ મુંબઈ સબઅર્બન જીલ્લાઓમાંથી રુપિયા 3.6 કરોડ રોકડની જપ્તી કરવામાં આવી છે.
48 લોકસભાની બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં 2024ની સામાન્ય ચૂંટણીમાં મતદાનના માળખાની વાત કરવામાં આવે તો 19 એપ્રિલથી 20 મે સુધી રાજ્યમાં કુલ પાંચ તબક્કામાં મતદાન યોજાશે. મહારાષ્ટ્રમાં કુલ 9.2 કરોડ મતદારો નોંધાયા છે અને 17થી 20 માર્ચની યાદીમાં 1,84,841 નવા મતદારો ઉમેરાયા છે.
ચોકલિંગમે વધુમાં જણાવ્યું હતું કે, 20 માર્ચથી હમણા સુધી પ્રથમ તબક્કાના મતદાન માટે 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં રામટેકમાં એક ઉમેદવાર, નાગપુરમાં પાંચ, ભંડારા-ગોન્ડિયામાં બે અને ગઢચિરોલી-ચીમુર લોકસભા બેઠક પરથી બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચંદ્રપુરમાંથી કોઈ પણ ઉમેદવારી નોંધાવામાં આવી નથી.
પી.ટી.આઈ.