આમચી મુંબઈ

અત્યારની સરકાર કરતાં તો કરચલા સારા ઉદ્ધવ ઠાકરેની ટીકા

મુંબઈ: ’હું આજે તમારી સમક્ષ તમારો ભાઈ બનીને ઊભો છું,’ એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અંગણવાડી મોરચામાં કરેલા ભાષણમાં જણાવ્યું હતું. ભાષણમાં ઉદ્ધવે ક્રાંતિજયોતિ સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ નિમિત્તે આ મોરચો મુંબઈ આવ્યો હોવાનું જણાવી આજકાલ ક્રાંતિજયોતિ, ક્રાંતિસૂર્ય, મહાત્મા જેવા બિરુદ આપી શકાય એવા લોકો જ નથી રહ્યા એવી પ્રતિક્રિયા પણ ભાષણમાં વ્યક્ત કરી હતી. મહાયુતિ સરકાર પર ટીકાનો વરસાદ વરસાવી ’આ સરકાર કરતાં તો કરચલો સારો એમ પણ જણાવ્યું હતું.

સાવિત્રીની સુપુત્રીઓ આજે અહીં આવી છે, પણ જે સાવિત્રીબાઈનો ઉલ્લેખ આપણે કરી રહ્યા છીએ તેમની જ્યોત તમારામાં ટમટમે છે કે નહીં એ મોટો સવાલ છે. અસંખ્ય જ્યોત એકત્ર થવાથી એમાંથી મશાલ પ્રગટે છે. એ મશાલમાં કોઈની પણ સત્તા ભસ્મીભૂત કરી શકવાની તાકાત હોય છે. તમારા હાથમાં તાકાત છે. જે હાથ જનતાની સેવા કરે છે એ હાથ તાળી વગાડે ત્યારે અવાજ કેવો ગુંજે છે. હવે જો એ જ હાથની ઝાપટ સરકારના કાન નીચે વાગે તો કેવો પ્રચંડ અવાજ આવશે? એવો સવાલ પણ ઉદ્ધવ ઠાકરેએ ઉપસ્થિત કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે ’એક વાતનો મને જરૂર અફસોસ છે. વચ્ચે અમુક સમય હું મુખ્ય પ્રધાન હતો. મારી પાસે કેટલાક લોકો આવ્યા ત્યારે મેં તેમને કહ્યું કે હું મુખ્ય પ્રધાન હોવા છતાં કંઈ ન કરી શક્યો. જોકે, મારી વિરુદ્ધ કોઈ જ ફરિયાદ નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. આપણે કોરોનાનો સામનો કર્યો. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે મારું નામ પ્રથમ પાંચ મુખ્ય પ્રધાનમાં આવ્યું હતું. હકીકતમાં એ નામ મારું નહોતું, તમારું હતું. તમારી કોઈ વાત સરકાર કાને નથી ધરી રહી એ વાસ્તવિકતા છે. કરુણા, દયાભાવ તમારામાં છે. આંદોલન થાય એટલે પ્રધાનો દોડી આવે અને હવે પછીના અધિવેશનમાં એનો નિકાલ લાવીશ એવી હૈયાધારણ આપે. પણ મારા ભાઈ, હવે પછી અધિવેશન ભરાશે ત્યારે તારી સરકાર હશે ખરી?’ એવો સવાલ પણ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.

૨૨ જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું છે. તમે રામભક્ત નથી? મધ્ય પ્રદેશમાં ભાજપ ચૂંટણી જીતી ગઈ. બધા એવું માનતા હતા કે મધ્ય પ્રદેશમાં ભાજપનો પરાજય થશે, પણ તેમનો વિજય થયો. જોકે, તેમને ખ્યાલ ન આવ્યો કે કયા કારણોસર તેમનો વિજય થયો છે? ’લાડલી બહેના’ યોજના ભાજપને સફળતા અપાવી ગઈ. તમે અમારી લાડકી બહેનો છો ને? રામભક્ત પણ છો તો એનું શું? એવા સવાલ પણ ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યા હતા. સરકાર જો ભાંગી ન પડી હોત તો આજે જે સવાલ ઊભા થયા છે એનું અસ્તિત્વ જ ન હોત. હાલની જે સરકાર છે એના કરતા તો કરચલો સારો એટલી આ સરકાર ત્રાંસી છે. અમને ત્રિમૂર્તિ સરકાર કહેતા હતા. હવે એમની સરકાર કઈ પરિસ્થિતિમાં છે? આ સરકારના શું હાલ છે એના પર પણ નજર નાખો એવી રજૂઆત પણ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.

…તો આ સમય ન આવ્યો હોત
કોરોનાનું સંકટ ટળી ગયા પછી કામની શરૂઆત કરી ત્યારે મારે ઓપરેશન કરાવવું પડ્યું. એમાંથી બેઠો થયો ત્યાં દેશદ્રોહીઓએ આપણી સરકાર પાડી. જો સરકાર પડી ન હોત તો આજે આંદોલન કરવાનો વખત જ ન આવ્યો હોત. તમારી તાકાત, તમારો સેવાભાવ જે સમજી નથી શકતા એ કૃતઘ્ન છે. અત્યારના શાસનમાં આપણે જાહેરખબરો જોઈએ છીએ. હૃષ્ટપુષ્ટ પ્રધાનોના ફોટોગ્રાફ્સ અને સુદ્રઢ ભારતના પોસ્ટર જોવા મળી રહ્યા છે. આરોગ્ય પ્રધાન કરચલા ખાઈને તગડા બને છે. જોકે, ભારતને ખરા અર્થમાં સુદ્રઢ કરવાનું કામ તો અંગણવાડી સેવિકાઓ કરી રહી છે. કમનસીબે સરકાર એ વાત જાણતી નથી, એવી ટીકા પણ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. સેવિકાઓને ઉદ્દેશી શ્રી ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે ભારતનું ઘડતર કરવાની સાચી તાકાત તમારી પાસે છે અને તમને આપવા એમની પાસે પૈસા નથી? એમની પાસે જાહેરખબરો માટે ખર્ચવા પૈસા છે. સરકાર લાવવા ’ખોખા’ છે, પણ અંગણવાડી અને આશા સેવિકાઓને માનધન આપવા સરકાર પાસે પૈસા નથી એવી આ સરકાર તમારી સરકાર કહેવાય ખરી? આ વખતે તો ભાજપને મત આપવો જ નથી એવું કોઈક હમણાં બોલ્યું. તમને યોગ્ય લાગે તો જરૂર મત આપો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત