વિરારમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નીની હત્યા: પતિની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરારમાં ચારિત્ર્ય પર શંકાને પગલે છરીના ઘા ઝીંકી પત્નીની કથિત હત્યા કરનારા પતિને પોલીસે કલ્યાણથી પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો : ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી રોકડ લૂંટનારા પાંચ પકડાયા
વિરાર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ગોપાલ રાઠોડ (38) તરીકે થઈ હતી. ગોપાલ અને ભારતી રાઠોડ (32)નાં લગ્ન 15 વર્ષ અગાઉ થયાં હતાં. 13 વર્ષની પુત્રી સાથે દંપતી વિરારના વાટેવાડી વિસ્તારમાં આવેલી એકવીરા બિલ્ડિંગમાં રહેતું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ગોપાલને દારૂ પીવાનું વ્યસન હતું અને આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગોપાલના દારૂ પીવાના વ્યસનનો પત્ની વિરોધ કરતી હતી તો પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો.
કહેવાય છે કે શુક્રવારે પણ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. રોષમાં આવી પતિએ છરીથી પત્ની પર હુમલો કર્યો હતો. બાદમાં પત્નીને લોહીલુહાણ હાલતમાં છોડી આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
આ પણ વાંચો : વસઈમાં પેટ્રોલ પમ્પ માલિકની હત્યા કરી લૂંટ: ડ્રાઈવર સહિત બેની ધરપકડ
વિરાર પોલીસે આરોપી પતિ ગોપાલની શોધ હાથ ધરી હતી. કર્ણાટકનો વતની ગોપાલ તેના વતન જવાની તૈયારીમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે કલ્યાણ રેલવે સ્ટેશને છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.