મહિલા પ્રવાસીનો વિનયભંગકરનારા રિક્ષા ડ્રાઈવર સામે ગુનો
થાણે: ઉલ્હાસનગરમાં મહિલા પ્રવાસીને કથિત ત્રાસ આપી તેનો વિનયભંગ કરવા બદલ પોલીસે રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર 33 વર્ષની મહિલા બુધવારે અંબરનાથ સ્ટેશને જવા માટે આરોપીની રિક્ષામાં બેઠી હતી. જોકે સ્ટેશને જવાને બદલે ડ્રાઈવર બ્રિજ તરફ રિક્ષા લઈ ગયો હતો. મહિલાએ રિક્ષા રોકવાનું કહેતાં આરોપીએ તેને ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
રિક્ષા થોડી ધીમી પડતાં મહિલા નીચે ઊતરી ગઈ હતી. જોકે રિક્ષા ડ્રાઈવરે મહિલાનો પીછો કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આરોપીએ મહિલાનો મોબાઈલ ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ભાડાના 20 રૂપિયા આપી રહી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડી લીધો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
મહિલાની ફરિયાદને આધારે અંબરનાથ પોલીસે અજાણ્યા રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354, 504 અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ફરાર ડ્રાઈવરની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)